તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
સોના -ચાંદી બાદ હવે આગામી અઠવાડિયામાં સરકાર અન્ય 5 મોટા નીતિગત નિર્ણયો લઈ શકે
વડાપ્રધાન દ્વારા ઊર્જા બચત અને સ્વદેશી અપનાવવાની અપીલ બાદ હવે સરકાર આયાત-નિકાસ વચ્ચેના તફાવતને ઘટાડવા એક્શન મોડમાં

નવી દિલ્હી :વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર સામે પડકારો વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો કર્યો છે, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આ તો માત્ર શરૂઆત છે. વિદેશી બ્રોકરેજ ફર્મ નોમુરા ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, આગામી અઠવાડિયામાં સરકાર અન્ય 5 મોટા નીતિગત નિર્ણયો લઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા 'ચાલુ ખાતાની ખાધ' (CAD)ને રોકવાનો અને વિદેશી મુદ્રા ભંડારને બચાવવાનો છે. વડાપ્રધાન દ્વારા ઊર્જા બચત અને સ્વદેશી અપનાવવાની અપીલ બાદ હવે સરકાર આયાત-નિકાસ વચ્ચેના તફાવતને ઘટાડવા એક્શન મોડમાં છે.
બિન-જરૂરી આયાત પર પ્રતિબંધ: ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય બિન-જરૂરી ચીજવસ્તુઓની આયાત ઘટાડવા માટે સરકાર કડક નિયમો અથવા વધુ ટેક્સ લાદી શકે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો: રાજકોષીય બોજ ઓછો કરવા માટે ઈંધણના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
બોન્ડ માર્કેટમાં રાહત: વિદેશી રોકાણને આકર્ષવા માટે બોન્ડમાં રોકાણ કરતા વિદેશી રોકાણકારોને ટેક્સમાં છૂટછાટ મળી શકે છે.
ફોરેક્સ ડિપોઝિટ માટે નવા બોન્ડ: વિદેશી મુદ્રા એકઠી કરવા માટે સરકાર ખાસ બોન્ડ બહાર પાડી શકે છે.
કરન્સી હેજિંગના નિયમો: આયાતકારો માટે કરન્સી હેજિંગ (ચલણના મૂલ્યમાં ફેરફાર સામે સુરક્ષા) ના નિયમોમાં ફેરફાર થઈ શકે છે.
નોમુરાના અહેવાલ મુજબ, જો પેટ્રોલ અને ડીઝલમાં 5 રુપિયાનો વધારો કરવામાં આવે, તો તેનાથી મોંઘવારી (CPI)માં 25 થી 30 બેસિસ પોઈન્ટનો (BPS) ઉછાળો આવી શકે છે. ભારતની મોંઘવારીના બાસ્કેટમાં ઈંધણનો હિસ્સો અંદાજે 4.8 ટકા છે, તેથી આ વધારો સામાન્ય નાગરિકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
સરકારે સોના પરની આયાત જકાત 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી છે. જેમાં 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રી ઈન્ફ્રા સેસ (AIDC)નો સમાવેશ થાય છે. આ જાહેરાત બાદ તરત જ બજારમાં સોનાના ભાવમાં રૂ. 11,000 અને ચાંદીમાં રૂ. 22,000 પ્રતિ કિલો સુધીનો તોતિંગ વધારો જોવા મળ્યો હતો.
નોમુરાના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2027 સુધીમાં ભારતની ચૂકવણી સંતુલન (Balance of Payments)માં 70 અબજ ડોલરથી વધુની ખાધ રહેવાની શક્યતા છે. આથી,જનહિતને ધ્યાનમાં રાખીને સરકાર હજુ પણ કેટલાક કડક પગલાં લેવાનું ચાલુ રાખશે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
