તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
નેપાળમાં ભયાનક કોમી હિંસા બાદ બળતામાં ઘી હોમાયું: દક્ષિણ સરહદે સિરાહા અને સુનસારીમાં અનિશ્ચિત મુદતનો કર્ફ્યુ, ભારત સીમા પર હાઇ એલર્ટ!
ડીજેના મોટેથી વાગતા સંગીત વિવાદે લઈ લીધી એક યુવકની જિંદગી: વડાપ્રધાન બાલેન શાહે બોલાવી નેશનલ સિક્યુરિટી કમિટીની ઈમરજન્સી બેઠક

કાઠમંડુ : દક્ષિણ નેપાળમાં કોમી તણાવે અત્યંત હિંસક અને ભયાનક સ્વરૂપ ધારણ કરતાં પરિસ્થિતિ વણસી ગઈ છે. સુનસારી જિલ્લાના કપ્તાનગંજ વિસ્તારમાં બે અલગ-અલગ સમુદાયો વચ્ચે શ્રાવણ માસની યાત્રા દરમિયાન ડીજે સંગીત વગાડવા બાબતે થયેલી તીખી બોલાચાલી જોતજોતામાં લોહિયાળ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. આ હિંસા અને પથ્થરમારામાં એક યુવાનનું દર્દનાક મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ છે.
પરિસ્થિતિ કાબૂ બહાર જતાં અને હિંસાની આગ અન્ય વિસ્તારોમાં ફેલોવાના જોખમને ધ્યાનમાં રાખીને તંત્રે આકરાં પગલાં ભર્યા છે. ભારતની બિહાર સરહદને અડીને આવેલા દક્ષિણ નેપાળના સુનસારી અને સિરાહા જિલ્લાના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે સખત કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. પૂર્વ-પશ્ચિમ હાઈવેથી લઈને અનેક મુખ્ય બજારોમાં સશસ્ત્ર સિક્યુરિટી ફોર્સ તૈનાત કરી દેવાઈ છે તથા સરઘસ, ધરણા અને ચારથી વધુ લોકોના ભેગા થવા પર સખત બંધી ફરમાવવામાં આવી છે.
બીજી તરફ, નેપાળમાં ભડકેલી આ હિંસાને પગલે ભારતીય સરહદી વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. બિહારના સરહદી જિલ્લાઓમાં સીમા સુરક્ષા બળ (SSB) અને સ્થાનિક પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જેથી હિંસાની અસર ભારતીય સીમામાં ન પ્રસરે. ઘટનાની ગંભીરતા જોઈને નેપાળના વડાપ્રધાન બાલેન શાહે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઈમરજન્સી બેઠક યોજીને શાંતિ જાળવવાની અપીલ કરી છે તથા હિંસા આચરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
