<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

સાયપ્રસના કન્ટેનર જહાજ પર ઈરાની હુમલા બાદ અમેરિકાના ઈરાન ઉપર પ્રચંડ હવાઈ હુમલા : બંદર અબ્બાસ અને સિરિકમાં ધડાકા: તણાવ સાથે યુદ્ધનો ખતરો ફરી ભારે વધ્યો

ઈરાન દ્વારા હોર્મુઝ જળમાર્ગ ફરી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાતા વિશ્વના તેલ અને ગેસ પુરવઠા પર ગંભીર સંકટ : વૈશ્વિક બજારોમાં ચિંતા અને ભાવવધારાનો ભય પણ વધ્યો

તહેરાન: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના નૌકાદળે રવિવારે વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ વેપાર માર્ગો પૈકીના હોર્મુઝ જળમાર્ગને અચોક્કસ મુદત માટે બંધ જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ભારે ચિંતા ફેલાઈ છે. ઈરાને જણાવ્યું કે પરવાનગી વગરના માર્ગેથી પસાર થવાનો પ્રયાસ કરનાર જહાજ સામે કાર્યવાહી કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

હોર્મુઝ જળમાર્ગ પર્શિયન અખાતને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડે છે. આ માર્ગનો ઉપયોગ વિશ્વના મોટા પ્રમાણમાં કાચા તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને પ્રવાહી કુદરતી ગેસની નિકાસ માટે થાય છે. જળમાર્ગ લાંબા સમય સુધી બંધ રહે તો જહાજોની અવરજવર, ઊર્જા પુરવઠો, પરિવહન ખર્ચ અને વીમા પ્રીમિયમ ઉપર ગંભીર અસર પડવાની આશંકા છે.

તાજેતરના હુમલાઓ અને વધી રહેલા સુરક્ષા જોખમને કારણે ઓછામાં ઓછા ચાર તેલ અને ગેસ ટેન્કરોએ હોર્મુઝ જળમાર્ગમાં પ્રવેશવાનો નિર્ણય બદલી પાછા વળવાનું પસંદ કર્યું હતું. ખાડીના દેશોમાંથી એશિયા, યુરોપ અને અન્ય બજારો તરફ જતો ઊર્જા પુરવઠો ખોરવાય તો કાચા તેલ તથા ગેસના ભાવમાં તીવ્ર ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

દરમિયાન સાયપ્રસનો ધ્વજ ધરાવતા નાગરિક કન્ટેનર જહાજ જીએફએસ ગેલેક્સી ઉપર ઈરાની દળોએ હુમલો કર્યા બાદ અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ ઉપર રવિવારે નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે નાગરિક જહાજ ઉપર કરવામાં આવેલી કાર્યવાહીનો જવાબ આપવા અમેરિકાના સર્વોચ્ચ સૈન્ય કમાન્ડરની સૂચનાથી આ હુમલા હાથ ધરાયા હતા.

હુમલામાં જહાજને ગંભીર નુકસાન થયું, એન્જિન વિભાગમાં આગ અને ભારે નુકસાન નોંધાયું તથા એક નાગરિક કર્મચારી લાપતા હોવાનું જણાવાયું છે. જહાજ પોતાની આગળની મુસાફરી ચાલુ રાખી શકે તેવી સ્થિતિમાં રહ્યું નહોતું. ઈરાને આરોપ લગાવ્યો કે જહાજે નિર્ધારિત માર્ગનું ઉલ્લંઘન કર્યું, ઓળખ દર્શાવતી પ્રણાલી બંધ રાખી અને વારંવાર આપવામાં આવેલી ચેતવણીઓને અવગણી હતી.

અમેરિકી હુમલાઓ બાદ દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસ અને સિરિક વિસ્તારમાં વિસ્ફોટોના અહેવાલ મળ્યા છે. અગાઉ હોર્મુઝ જળમાર્ગ નજીક ત્રણ વેપારી જહાજો ઉપર હુમલા થયા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ પહેલેથી જ વધી ગયો હતો. હવે જળમાર્ગ બંધ થવાથી સૈન્ય સંઘર્ષ વધુ વ્યાપક બનવા સાથે વૈશ્વિક ઊર્જા પુરવઠા અને અર્થતંત્ર ઉપર ગંભીર અસર થવાની આશંકા ઊભી થઈ છે.

(8:43 AM IST)