તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
કાશ્મીર બાદ હવે નેપાળ સરહદ વિવાદમાં ઇંગ્લેન્ડ-ચીનને ઘસડવાના વડાપ્રધાન બાલેન શાહના પેતરા પર ભારતનો સણસણતો જવાબ :ત્રીજા પક્ષની કોઈ જરૂર નથી
સરહદ વિવાદ મુદ્દે વિદેશ મંત્રાલયે પડોશી દેશને અરીસો બતાવ્યો

નવી દિલ્હી: ભારત અને નેપાળ વચ્ચેના વર્ષો જૂના સરહદ વિવાદમાં બ્રિટન (ઇંગ્લેન્ડ) અને ચીન પાસે મધ્યસ્થી કરાવવાના નેપાળના વડાપ્રધાન બાલેન શાહના નિવેદન પર નવી દિલ્હીએ અત્યંત આકરો પ્રહાર કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ અને કડક શબ્દોમાં સંભળાવી દીધું છે કે ભારત અને નેપાળ વચ્ચેના કોઈપણ દ્વિપક્ષીય મામલામાં દુનિયાના કોઈ ત્રીજા દેશ કે સંગઠનની કોઈ ભૂમિકા નથી. ભૂતકાળમાં લોકપ્રિય રેપર રહી ચૂકેલા અને હવે નેપાળના વડાપ્રધાન બનેલા બાલેન શાહે સંસદમાં દાવો કર્યો હતો કે આ વિવાદ ૧૯૪૭માં બ્રિટિશ શાસનના અંત સમયનો હોવાથી તેમણે ચીન અને બ્રિટન સાથે આ મુદ્દે રાજદ્વારી ચર્ચા શરૂ કરી છે, જેને ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
વિદેશ મંત્રાલયે વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે ભારત-નેપાળ સરહદનો આશરે ૯૮ ટકા ભાગ પહેલેથી જ સીમાંકિત થઈ ચૂક્યો છે અને બંને દેશોએ વિવાદો ઉકેલવા માટે મજબૂત દ્વિપક્ષીય પદ્ધતિઓ સ્થાપિત કરેલી છે. ભૌગોલિક ફેરફારો, ખાસ કરીને ગંડક નદીના પ્રવાહ બદલાવાને કારણે જે વિસ્તારોમાં સીમા અંગે અસ્પષ્ટતા ઊભી થઈ છે, ત્યાં સંયુક્ત મેપિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ સિવાય સરહદ પરના 'નો-મેન્સ લેન્ડ' પર થયેલા અતિક્રમણોને પણ બંને દેશો પરસ્પર સહમતીથી દૂર કરી રહ્યા છે, તેથી નેપાળે આ આંતરિક મામલામાં વૈશ્વિક શક્તિઓને સામેલ કરીને કૂટનીતિક નાટકબાજી કરવાનું બંધ કરવું જોઈએ.
વાસ્તવમાં, નેપાળ અને ભારત વચ્ચે લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાણીના વ્યૂહાત્મક વિસ્તારો પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેને ભારત હંમેશા ઉત્તરાખંડનો અભિન્ન ભાગ ગણાવે છે. નેપાળના વડાપ્રધાને બન્ને દેશોની સરહદો પર પરસ્પર જમીન દબાવવાના કરેલા દાવાઓને હાસ્યાસ્પદ ગણાવી ભારતે સંકેત આપ્યો છે કે પડોશી દેશે કોઈના પ્રભાવ હેઠળ આવ્યા વિના વાસ્તવિક તથ્યોનો અભ્યાસ કરવો જોઈએ. આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો માને છે કે દક્ષિણ એશિયામાં ચીનના વધતા હસ્તક્ષેપ વચ્ચે નેપાળ દ્વારા આવા નિવેદનો આપવા એ પ્રાદેશિક શાંતિને ડહોળવાનો પ્રયાસ છે, જેનો ભારતે સમયસર જડબાતોડ જવાબ આપી દીધો છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
