<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

બંગાળમાં સત્તા ગુમાવતા જ તૃણમૂલ કોંગ્રેસમાં ભડકો, અનેક દિગ્‍ગજ નેતાઓનો મમતા અને અભિષેક બેનર્જી સામે ખુલ્‍લો બળવો

રાજ ચક્રવર્તીનો રાજકારણને અલવિદા, આઈ-પેકના પ્રભાવ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નેતાઓના ઉપરાછાપરી રાજીનામા

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક ચૂંટણી હાર બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીમાં આંતરિક વિખવાદ અને નેતાઓના રાજીનામાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

ચૂંટણી પરિણામો બાદ તરત જ બેરકપુરના પૂર્વ ધારાસભ્‍ય અને જાણીતા ફિલ્‍મ સર્જક રાજ ચક્રવર્તીએ રાજકારણમાંથી સંપૂર્ણપણે સન્‍યાસ લેવાની મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે વર્ષ ૨૦૨૧ માં શરૂ કરેલી પોતાની રાજકીય સફરનો ૨૦૨૬ માં અંત આણ્‍યો છે. બીજી તરફ પક્ષના વરિષ્ઠ નેતાઓ ખુલ્‍લેઆમ નેતૃત્‍વ સામે મેદાને પડ્‍યા છે. કૂચ બિહારના નેતા રવીન્‍દ્રનાથ ઘોષે સીધો આરોપ લગાવ્‍યો છે કે પક્ષ મમતા અને અભિષેક એમ બે જૂથોમાં વહેંચાઈ ગયો હતો અને અભિષેકના દબાણને કારણે જ દીદી સાચા નિર્ણયો લઈ શક્‍યા ન હતા. પૂર્વ મંત્રી અને ક્રિકેટર મનોજ તિવારીએ પણ રમતગમત મંત્રી અરૂપ બિસ્‍વાસ પર નિશાન સાધ્‍યું છે. વિદેશી મીડિયા અને સોશિયલ પ્‍લેટફોર્મ્‍સ પર વાયરલ થઈ રહેલા અહેવાલો મુજબ પક્ષના પ્રવક્‍તા રિજુ દત્તાએ પણ એક વીડિયો જાહેર કરીને કબૂલ્‍યું છે કે તેમણે શુભેન્‍દુ અધિકારી પર કરેલા ૯૯ ટકા હુમલા પક્ષના આદેશથી કર્યા હતા. આ ઉપરાંત હાવડા નગર નિગમના પૂર્વ અધ્‍યક્ષ ડો. સુજોય ચક્રવર્તીએ રાજીનામું આપતા એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે અભિષેક બેનરજી દ્વારા તેમની પાસે પક્ષના ફંડ માટે વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું દબાણ કરાતું હતું. પક્ષમાં આઈ-પેક અને બિન-બંગાળી સલાહકારોના વધતા પ્રભાવને પણ હાર માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.

(2:49 PM IST)