તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
મેગી અને કિટકેટ બાદ નેસ્લે ફરી વિવાદના વમળમાં: બેબી ફૂડ ફોર્મ્યુલામાં ખામી અને ભ્રામક દાવા બદલ FSSAI ની લાલ આંખ
વિટામિન B7 ની કમી અને ભ્રામક પ્રચારના આરોપો હેઠળ નેસ્લે ઇન્ડિયા સામે કાનૂની શિકંજો: $૨.૪ બિલિયનના દૂધ-પોષણ ક્ષેત્રમાં ગંભીર સવાલો ઊભા થતાં ગ્રાહકોમાં ભારે આક્રોશ

નવી દિલ્હી: મેગી નૂડલ્સના સીસા વિવાદના એક દાયકા બાદ બહુરાષ્ટ્રીય ફૂડ જાયન્ટ ‘નેસ્લે ઇન્ડિયા’ ફરી એકવાર ભારતમાં ગંભીર નૈતિક અને કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. આ વખતે વિવાદ કંપનીના અત્યંત સંવેદનશીલ ગણાતા શિશુ આહાર (બેબી ફૂડ) અને મિલ્ક ફોર્મ્યુલા પ્રોડક્ટ્સને લઈને સામે આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના તાજેતરના લેબ ટેસ્ટિંગમાં નેસ્લેના ‘ફોલો-અપ ફોર્મ્યુલા’ પ્રોડક્ટના સેમ્પલ કાયદાકીય ધોરણો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેમાં શિશુના વિકાસ માટે અત્યંત જરૂરી એવા બાયોટિન (વિટામિન B7) નું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતાં ઓછું મળી આવ્યું છે. આ ઉપરાંત, કંપનીના લોકપ્રિય પ્રોડક્ટ્સ ‘NAN એક્સેલા પ્રો સ્ટેજ 1’ અને ‘લેક્ટોજેન પ્રો 1’ ના લેબલ અને જાહેરાતોમાં ભ્રામક તથા અતિશયોક્તિપૂર્ણ દાવા કરવા બદલ FSSAI દ્વારા નેસ્લે સામે ત્રણ અલગ-અલગ કાનૂની કેસ દાખલ કરવામાં આવ્યા છે.
ભારત નેસ્લે માટે વૈશ્વિક સ્તરે સૌથી નફાકારક બજારોમાંનું એક છે, જ્યાં કંપનીના કુલ રૂ. ૨.૪ બિલિયન ($૨.૪ બિલિયન) ના વેચાણમાં એક તૃતીયાંશ ભાગ માત્ર શિશુ આહાર અને દૂધ ઉત્પાદનોનો છે. આમ છતાં, નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન અને ગુણવત્તા નીતિઓ સાથે ચેડાંના આક્ષેપોથી સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ સ્વિટ્ઝર્લેન્ડ અને યુકે જેવા વિકસિત દેશોમાં સુગર-ફ્રી બેબી ફૂડ વેચતી નેસ્લે ભારત સહિત એશિયા અને આફ્રિકાના દેશોમાં સેરેલેક જેવા પ્રોડક્ટ્સમાં ખાંડ ઉમેરીને વેચતી હોવાનો ચોંકાવનારો આંતરરાષ્ટ્રીય ખુલાસો પબ્લિક આઈ ના અહેવાલમાં થયો હતો. જોકે, આ કાનૂની સરભાન સામે નેસ્લે ઇન્ડિયાએ દાવો કર્યો છે કે તેના તમામ ઉત્પાદનો FSSAI ની નિષ્ણાત સમિતિ દ્વારા માન્ય છે અને તે વૈજ્ઞાનિક રીતે સમર્થિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે.
નેસ્લેનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. ૧૯૯૦ના દાયકામાં ટેક્સ બચાવવા માટે કિટકેટને ચોકલેટના બદલે વેફર ગણાવવાનો કાયદાકીય વિવાદ હોય કે પછી જાન્યુઆરી ૨૦૨૨માં કિટકેટના રેપર પર ભગવાન જગન્નાથજીની તસવીર છાપીને ધાર્મિક લાગણી દુભાવવાનો મામલો હોય, કંપની વારંવાર કટોકટીમાં મુકાતી રહી છે. ૨૦૧૫માં તો મેગીમાં લેડની માત્રા વધુ મળતાં સમગ્ર દેશમાં પ્રતિબંધ લાદવો પડ્યો હતો અને પ્રોડક્ટ્સ પાછા ખેંચવા પડ્યા હતા. હવે જ્યારે ભારતના સૌથી મોટા હેલ્થ રેગ્યુલેટરે સીધો શિશુ પોષણ અને બેબી ફૂડ ક્ષેત્રે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે ગ્રાહકોના ભરોસા પર ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
