તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 11th May 2026
બંગાળમાં મોટા ઉલટફેર બાદ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: CEO મનોજ અગ્રવાલ બનશે સુવેન્દુ સરકારના નવા ‘ચીફ સેક્રેટરી’!
TMC ના સુપડા સાફ કર્યા બાદ ભાજપ એક્શન મોડમાં; ચૂંટણી પહેલા ૯૧ લાખ બોગસ મતદારોને હટાવનાર ૧૯૯૦ બેચના IAS અધિકારી હવે સંભાળશે રાજ્યના વહીવટની કમાન

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના ઐતિહાસિક પરિણામો બાદ હવે સત્તાના સમીકરણોની સાથે વહીવટી માળખું પણ બદલાઈ રહ્યું છે. સોમવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) મનોજ અગ્રવાલને પશ્ચિમ બંગાળના નવા મુખ્ય સચિવ (Chief Secretary) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળની નવી ભાજપ સરકારમાં અગ્રવાલ સૌથી શક્તિશાળી અમલદાર તરીકે ઉભરી આવ્યા છે.
કોણ છે મનોજ અગ્રવાલ?
મનોજ અગ્રવાલ ૧૯૯૦ બેચના પશ્ચિમ બંગાળ કેડરના અનુભવી IAS અધિકારી છે. વિધાનસભા ચૂંટણી પહેલા જ્યારે તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી હતા, ત્યારે તેમણે ચૂંટણી પંચની 'SIR' કવાયતનું નેતૃત્વ કર્યું હતું. આ કડક ઝુંબેશ હેઠળ રાજ્યની મતદાર યાદીમાંથી અંદાજે ૯૧ લાખ જેટલા શંકાસ્પદ અને બોગસ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા, જેની રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ હતી. હવે નવી સરકારમાં તેમની પસંદગી વહીવટી તંત્રને વધુ પારદર્શક બનાવવાના સંકેત તરીકે જોવામાં આવે છે.
વહીવટી તંત્રમાં બદલાવનો દોર
નવા આદેશ મુજબ, અત્યાર સુધી મુખ્ય સચિવ તરીકે કાર્યરત દુષ્યંત નરિયાલાની બદલી નવી દિલ્હી ખાતે કરવામાં આવી છે. ૧૯૯૩ બેચના IAS નરિયાલાને હવે દિલ્હીમાં 'મુખ્ય નિવાસી કમિશનર' (Principal Resident Commissioner) તરીકેની જવાબદારી સોંપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી દરમિયાન પંચે નંદિની ચક્રવર્તીને હટાવીને નરિયાલાને આ પદ પર બેસાડ્યા હતા.
ઐતિહાસિક જીત બાદ નવો અધ્યાય
પશ્ચિમ બંગાળની ૨૯૪ સભ્યોની વિધાનસભામાં ભાજપે ૨૦૭ બેઠકો જીતીને બહુમતી મેળવી છે, જ્યારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર ૮૦ બેઠકો પર સમેટાઈ ગઈ છે. દાયકાઓ પછી બંગાળમાં સત્તા પરિવર્તન થતાં જ વહીવટી સ્તરે પણ મજબૂત અને કડક છાપ ધરાવતા અધિકારીઓને મહત્વના હોદ્દાઓ સોંપવાની પ્રક્રિયા તેજ બની છે.
મુખ્ય ફેરફારો એક નજરે:
- નવા મુખ્ય સચિવ: મનોજ અગ્રવાલ (IAS 1990)
- દુષ્યંત નરિયાલા: નવી દિલ્હીમાં ટ્રાન્સફર.
- રાજકીય સ્થિતિ: સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં પ્રથમવાર ભાજપ સરકાર કાર્યરત.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
