<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

નેપાળ બાદ ચીનમાં પણ કુદરતનો કહેર, ગ્યિરૉંગ પોર્ટ પાસે ભયાનક ભૂસ્ખલનથી 16નાં મોત

49 ભારતીયો સહિત 546 લોકો લાપતા, 23 દેશોના 261 વિદેશી નાગરિકોનો પત્તો નહીં; ગ્લેશિયર તૂટ્યા બાદ 22 કિલોમીટર સુધી કાટમાળ ધસી આવ્યો

બેંગલુરુ : નેપાળમાં વિનાશક પૂર બાદ હવે ચીન-નેપાળ સરહદ નજીક ચીનના શિજાંગ સ્વાયત્ત વિસ્તારમાં ગ્યિરૉંગ પોર્ટ પાસે 26 ઓગસ્ટે ભયાનક ભૂસ્ખલન થતાં ભારે તબાહી સર્જાઈ છે. પહાડી વિસ્તારમાં ગ્લેશિયર તૂટ્યા બાદ બરફ, પથ્થરો અને કાદવનો વિશાળ જથ્થો ઝડપથી નીચે ધસી આવતાં 16 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 49 ભારતીયો સહિત કુલ 546 લોકો હજુ લાપતા છે. ચીની સ્થાનિક સરકારના જણાવ્યા મુજબ ભૂસ્ખલનથી આશરે 0.7 ચોરસ કિલોમીટર વિસ્તાર પ્રભાવિત થયો છે અને 27 ઇમારતો તથા અન્ય સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે.
ચીની અધિકારીઓના જણાવ્યા મુજબ, ગ્યિરૉંગ પોર્ટ તરફ ધસી આવેલા કાટમાળની અસર અત્યંત ઝડપથી ફેલાઈ હતી. ઘટનાના પગલે રાહત અને બચાવ ટીમોએ અનેક તબક્કામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને કાટમાળ નીચે ફસાયેલા અથવા ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. જોકે ઊંચાઈવાળો પહાડી વિસ્તાર, મુશ્કેલ ભૂપ્રદેશ અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી પડકારજનક બની છે. શનિવારે સાંજે 6 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા પ્રમાણે 16 લોકોનાં મોત અને 546 લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે.
આ દુર્ઘટનામાં ચીનના નાગરિકો ઉપરાંત અનેક દેશોના લોકો પણ લાપતા થયા છે. ચીની સત્તાવાળાઓના જણાવ્યા મુજબ 23 દેશોના કુલ 261 વિદેશી નાગરિકો અંગે હજુ સુધી માહિતી મળી નથી. તેમાં નેપાળના 104, ભારતના 49, લાતવિયાના 33, અમેરિકાના 18 અને બ્રિટનના 15 નાગરિકોનો સમાવેશ થાય છે. દરમિયાન ભારતીય નાગરિકોની સ્થિતિ જાણવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે સંબંધિત એજન્સીઓ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં સતત કામગીરી કરી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ વિનાશક ઘટનાની કડી નેપાળ તરફના ઊંચા પહાડી વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાની ઘટના સાથે જોડાય.

(11:03 AM IST)