<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

મુંબઈમાં આગની અસંખ્ય ઘટનાઓ બાદ બીએમસીએ 25 નવેમ્બર સુધી રોકેટ અને આકાશમાં ફૂટતા ફટાકડા પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ

દિવાળી દરમિયાન આગ લાગવાની 140 થી વધુ ઘટનાઓ સામે આવ્યા બાદ મુંબઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સમગ્ર શહેરમાં આકાશમાં ઉડતા ફટાકડા પર પ્રતિબંધ લાદ્યો છે.

મુંબઈ : દિવાળીના ઉત્સવ દરમિયાન ફટાકડાના કારણે શહેરમાં આગની અનેક દુર્ઘટનાઓ સર્જાતા તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આદેશ અનુસાર, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આગામી 25 નવેમ્બર સુધી રોકેટ અને તે જેવા અન્ય આકાશમાં ઉડતા ફટાકડાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુંબઈમાં માત્ર રવિવારના એક જ દિવસમાં આગ લાગવાની 137 જેટલી ઘટનાઓ નોંધાઈ હતી, જેના કારણે નાગરિકોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો હતો. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના મ્યુનિસિપલ કમિશનર અને મુંબઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા પ્રાજક્તા વર્મા-લવાંગારે દ્વારા સોમવારે આ પ્રતિબંધક આદેશારી કરવામાં આવ્યો છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આકાશમાં ફૂટાતા રોકેટ અને ફટાકડા મકાનોની છત, બાલ્કની, બારીઓ અને અન્ય જ્વલનશીલ સપાટીઓ પર પડવાથી મોટી ઈમારતોમાં આગ ભભૂકી ઉઠવાની પૂરેપૂરી શક્યતા રહે છે.

આ પ્રતિબંધ બીએમસીની હદમાં આવતા તમામ સાર્વજનિક અને ખાનગી સ્થળો પર લાગુ રહેશે. જેમાં રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ, ટેરેસ, રૂફટોપ, બાલ્કની, આંગણું, પાર્કિંગ એરિયા, ઝૂંપડપટ્ટીઓ અને અન્ય તમામ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ આદેશમાંથી કોઈપણ પ્રકારના પરિસરમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. આ પ્રતિબંધ 9 નવેમ્બરથી અમલી બન્યો છે અને 25 નવેમ્બર 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં સખત રીતે લાગુ રહેશે.

મુંબઈની અત્યંત ઘીચ શહેરી રચનાને ધ્યાનમાં રાખીને આ આદેશમાં ચેતવણી આપવામાં આવી છે કે ગગનચુંબી ઇમારતો, ગીચ વસ્તીવાળી ઝૂંપડપટ્ટીઓ, સાંકડા રસ્તાઓ અને નજીક-નજીક બનેલા રહેણાંક તથા વેપારી મકાનો આગની દુર્ઘટનાઓનું જોખમ અનેકગણું વધારી દે છે, જે માનવ જીવન અને સંપત્તિ માટે જોખમી સાબિત થઈ શકે છે.

તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર રોકેટ અને આકાશમાં ફૂટતા ફટાકડા પર જ પ્રતિબંધ છે, જ્યારે અન્ય સામાન્ય ફટાકડાનો ઉપયોગ પ્રવર્તમાન કાયદાઓ, સરકારી નિર્દેશો અને અદાલતના આદેશોને આધીન રહેશે. જાહેર સલામતીને સર્વોપરી રાખીને આગની દુર્ઘટનાઓ અટકાવવા માટે સંબંધિત વિભાગોને આ નિયમોનો વ્યાપક પ્રચાર કરવા અને તેનું કડક પાલન સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો છે.

(5:04 PM IST)