<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

રાજ્યસભા બાદ હવે લોકસભામાં પણ 'વંદે માતરમ્ બિલ 2026' પસાર: રાષ્ટ્રગીતના અપમાન બદલ થશે 3 વર્ષની જેલ અને દંડ, વિપક્ષનો ભારે હોબાળો!

‘જન ગણ મન’ ની જેમ હવે ‘વંદે માતરમ્’ ને પણ મળશે સમાન કાનૂની રક્ષણ: સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત ગાવું અને તમામ 6 શ્લોકનું સન્માન કરવું બનશે ફરજિયાત

નવી દિલ્હી, તા.30: ભારતના સ્વતંત્રતા સંગ્રામના અમર પ્રતીક એવા રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ના સન્માન અને ગરિમાની જાળવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલું 'વંદે માતરમ્ બિલ 2026' રાજ્યસભા બાદ આજે લોકસભામાં પણ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. વિપક્ષી સાંસદોના ભારે હોબાળા અને વિરોધ વચ્ચે પણ સંસદના બંને ગૃહોમાં આ ઐતિહાસિક બિલ મંજૂર કરી દેવામાં આવ્યું છે અને હવે તેને આખરી મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.
નવા કાયદાના અમલમાં આવતાની સાથે જ રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ને રાષ્ટ્રગાન 'જન ગણ મન' જેટલું જ સમાન કાનૂની રક્ષણ પ્રાપ્ત થશે. હવેથી 'વંદે માતરમ્' નું અપમાન કરવું, તેને ગાવામાં અવરોધ ઊભો કરવો કે કોઈ વ્યક્તિને ગાતા અટકાવવી એ કાનૂની ગુનો ગણાશે. આ ગુના બદલ દોષિતને 3 વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા તો બંને થઈ શકે છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા રજૂ કરવામાં આવેલા આ બિલમાં ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ સત્તાવાર કાર્યક્રમોમાં જ્યાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંને વગાડવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' પ્રથમ ગવાશે કે વગાડવામાં આવશે અને તમામ લોકોએ સાવધાન મુદ્રામાં ઊભા રહીને સંપૂર્ણ આદર દર્શાવવો પડશે. બિલ પસાર થતાં જ લોકસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

(5:34 PM IST)