<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

321 કાર્યકર્તાઓના બલિદાન બાદ બંગાળમાં ખીલ્યું 'કમળ': ઘૂસણખોરી અને ગૌ-તસ્કરી હવે સપનું બની જશે: અમિતભાઈ શાહની સિંહ ગર્જના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે, "આ પ્રચંડ વિજયનો માર્ગ અત્યંત અસહ્ય પીડા અને સંઘર્ષથી ભરેલો રહ્યો છે. બંગાળ અને કેરળ સિવાય મેં ક્યાંય આટલું ક્રૂર હિંસાનું તાંડવ જોયું નથી

પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં વર્ષ 2026 સુવર્ણ અક્ષરે લખાશે. દાયકાઓ સુધી વિદેશી વિચારધારા અને કથિત લોકશાહી હિંસાના ઓથાર હેઠળ દબાયેલા બંગાળમાં આખરે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ભાજપના શાનદાર વિજય બાદ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારી ના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિજયી જનસભાને સંબોધતા અત્યંત ભાવુક અને આક્રમક નિવેદનો આપ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં આ જીતનો સમગ્ર શ્રેય ભાજપના તે 321 નિષ્ઠાવાન કાર્યકર્તાઓને આપ્યો હતો, જેમણે પશ્ચિમ બંગાળમાં લોકશાહીના મૂલ્યોની રક્ષા કરવા અને પક્ષને મજબૂત કરવા માટે પોતાની જાનની આહુતિ આપી દીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે, "આ પ્રચંડ વિજયનો માર્ગ અત્યંત અસહ્ય પીડા અને સંઘર્ષથી ભરેલો રહ્યો છે. બંગાળ અને કેરળ સિવાય મેં ક્યાંય આટલું ક્રૂર હિંસાનું તાંડવ જોયું નથી. આજે જ્યારે ભાજપનો વિજયધ્વજ લહેરાયો છે, ત્યારે હું તે તમામ શહીદ પરિવારોને હૃદયપૂર્વક નમન કરું છું."

ગૃહમંત્રીએ મમતા બેનર્જીની કરારી હાર પર કટાક્ષ કરતા જણાવ્યું કે, ગયા વખતે શુભેન્દુ દાએ મમતા દીદીને નંદીગ્રામમાં હરાવ્યા હતા, પરંતુ આ વખતે તો તેમણે દીદીના પોતાના 'ઘર' એટલે કે ભવાનીપુરમાં જઈને પરાસ્ત કર્યા છે. આ જીત એ વાતની સાક્ષી છે કે બંગાળની જનતા હવે તૃષ્ટિકરણ અને ભયના શાસનથી કંટાળી ગઈ છે. શાહે વધુમાં ઉમેર્યું કે, શ્યામા પ્રસાદ મુખર્જીએ  જે વિચારધારાનું બીજ 1950માં રોપ્યું હતું, તે આજે તેમની જ જન્મભૂમિ પર વટવૃક્ષ બનીને ઉભું છે. ભાજપ હવે બંગાળને વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ અને કવિગુરુ ટાગોરની કલ્પનાનું 'સોનાર બાંગ્લા' બનાવશે.

સુરક્ષાના મુદ્દે ગંભીરતા દર્શાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગર્જના કરી હતી કે હવે બંગાળમાં ભાજપની સરકાર છે, તેથી સીમાપારથી થતી ઘૂસણખોરી અને ગૌ-તસ્કરી હવે અશક્ય બની જશે. ત્રિપુરા, આસામ અને બંગાળ ત્રણેય સરહદી રાજ્યોમાં ભાજપનું શાસન હોવાથી ભારતની સરહદો હવે અભેદ્ય કિલ્લો બની જશે. શનિવારે રવીન્દ્ર જયંતીના શુભ અવસરે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.

(8:38 PM IST)