<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અશોભનીય ટિપ્પણી કરનાર સગીરાની ગંભીર ભૂલ બાદ ક્ષમાયાચના: નવો વીડિયો જાહેર કરી દેશ સમક્ષ વ્યક્ત કરી ખુશી

​દેશના વડાપ્રધાને ઉદાર દિલ રાખીને માફી આપતાં મને જાણે નવું જીવન મળ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે: દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન અપશબ્દો બોલનારી ૧૫ વર્ષીય કિશોરીનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

​નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાહેરમાં અત્યંત વિવાદાસ્પદ અને વાંધાજનક નિવેદન આપનારી સગીરાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેને પોતાની ગંભીર ભૂલનો પસ્તાવો થતાં તેણે દેશવાસીઓ અને વડાપ્રધાનની માફી માંગી છે. આ નવા વીડિયોમાં કિશોરીએ અત્યંત ભાવુક થઈને જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેને માફ કરવામાં આવી હોવાની જાણ થતાં જ તેની ખુશીનો કોઈ પાર રહ્યો નથી અને આ ક્ષમા તેના માટે એક નવું જીવન મળવા બરાબર છે.

​પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા એક રાજકીય પ્રદર્શન દરમિયાન આ કિશોરીએ દેશના વડાપ્રધાનના બંધારણીય પદની ગરિમાને ઠેસ પહોંચાડે તેવા અત્યંત અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી અને કાયદાકીય ગાળિયો પણ કસાયો હતો. નોઈડા પોલીસ મથકે સગીરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર ધારાઓ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં બે થી ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. પોલીસ ફરિયાદમાં પ્રથમ તેની ઉંમર વધુ દર્શાવવામાં આવી હતી, પરંતુ બાદમાં સ્પષ્ટતા થઈ હતી કે તે માત્ર ૧૫ વર્ષની સગીરા છે.

​કાયદાકીય ગૂંચ અને દેશભરમાં થયેલા વિરોધ વચ્ચે સગીરાને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે અગાઉ પણ હાથ જોડીને દેશની જનતા સમક્ષ માફી માંગી હતી અને પોતે ભારે શરમ અનુભવતી હોવાનું જણાવ્યું હતું. હવે સામે આવેલા તેના લેટેસ્ટ વીડિયોમાં તે કહી રહી છે કે, "હું અત્યંત ખુશ છું કે પીએમ મોદીએ મને માફ કરી દીધી છે. મેં એટલી મોટી ભૂલ કરી હતી કે મને સહેજ પણ આશા નહોતી કે મને ક્ષમા મળશે. એક સમયે મને લાગ્યું કે મારું સર્વસ્વ ખતમ થઈ ગયું છે, પરંતુ વડાપ્રધાને તુરંત ઉદારતા દાખવી. જ્યારે મને આ અંગે ખબર પડી ત્યારે હું રડી પડી હતી, કારણ કે જે વ્યક્તિ માટે મેં આટલા ખરાબ અપશબ્દો કહ્યા હતા, તેમણે જ મને માફી આપી દીધી."

​અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના મહિલા એડવોકેટ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે નોઈડા પોલીસ આ મામલે કાયદેસરની તપાસ ચલાવી રહી છે. સગીરાના વાયરલ થયેલા આ નવા વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.

(1:14 PM IST)