<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

શેખ હસીના બાદ હવે તારિક રહેમાન પર તંગ તલવાર: બાંગ્લાદેશમાં ‘જુલાઈ રાષ્ટ્રીય ચાર્ટર’ પર જમાત-એ-ઇસ્લામીનો ઉગ્ર બળવો

તારિક રહેમાન સરકારને ઉથલાવી પાડવાની જમાતની ખુલ્લી ધમકી: બંધારણના સંપૂર્ણ પુનર્લેખન અને ‘જુલાઈ ચાર્ટર’ મુદ્દે વ્યાપક રાજકીય મડાગાંઠ સર્જાતાં દેશમાં ફરી હિંસા અને અરાજકતાનો ભય

ઢાકા : ઓગસ્ટ ૨૦૨૪ માં ભીષણ જનઆંદોલન અને લોહિયાળ વિરોધ પ્રદર્શનો બાદ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. તે ઐતિહાસિક ઘટના બાદ ફેબ્રુઆરી ૨૦૨૬ ની ચૂંટણીઓમાં વિજય મેળવીને સત્તામાં આવેલા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વડા પ્રધાન તારિક રહેમાન માટે પણ સત્તાનો માર્ગ આસાન દેખાતો નથી. બાંગ્લાદેશમાં ફરી એકવાર સત્તાપલટા અને હિંસક આંદોલનના વાદળો ઘેરાઈ રહ્યા છે. કટ્ટરપંથી સંસ્થા જમાત-એ-ઇસ્લામી અને નવી BNP સરકાર વચ્ચે ‘જુલાઈ રાષ્ટ્રીય ચાર્ટર’ ને લઈને તીવ્ર સંઘર્ષ શરૂ થયો છે.

‘જુલાઈ રાષ્ટ્રીય ચાર્ટર’ અને ૮૪ સુધારાનો મોટો વિવાદ

શેખ હસીનાના પતન પછી મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે દેશમાં બંધારણીય સુધારા માટે અલી રિયાઝની અધ્યક્ષતામાં ‘રાષ્ટ્રીય સર્વસંમતિ આયોગ’ ની રચના કરી હતી.

· આ કમિશને મહિનાઓની ચર્ચા બાદ વહીવટી અને બંધારણીય સુધારા માટે કુલ ૮૪ દરખાસ્તો રજૂ કરી હતી.

· આમાંથી ૪૮ મુદ્દાઓ બંધારણીય સુધારા સાથે જોડાયેલા હતા, જ્યારે ૩૬ મુદ્દાઓ સરકારી આદેશો દ્વારા લાગુ કરી શકાય તેવા હતા.

૧૩ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડીને આ ચાર્ટરને કાયદાકીય રૂપ આપવામાં આવ્યું હતું. જોકે, આ જટિલ સુધારા અંગે સામાન્ય જનતા અજાણ હોવાથી દેશમાં ભારે મૂંઝવણ ઊભી થઈ હતી.

જમાતની આક્રમક માંગ: "સુધારો નહીં, નવું બંધારણ લખો"

હવે જમાત-એ-ઇસ્લામી અને વડાપ્રધાન તારિક રહેમાન વચ્ચેનો મુખ્ય વિવાદ બંધારણના મૂળ સ્વરૂપને લઈને છે. જમાત-એ-ઇસ્લામીના અમીર શફીકુર રહેમાને કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે ૧૯૭૨ નું જૂનું બંધારણ હવે નકામું બની ગયું છે અને તેમાં માત્ર નાના-મોટા સુધારા (Patchwork) કરવાથી કામ નહીં ચાલે.

જમાતે સરકારને સીધું અલ્ટીમેટમ આપ્યું છે કે જો ‘જુલાઈ ચાર્ટર’ અનુસાર સમગ્ર બંધારણ નવેસરથી લખવામાં નહીં આવે, તો તેઓ પોતાના લાખો કાર્યકર્તાઓને રસ્તા પર ઉતારીને તારિક રહેમાન સરકારને ઉથલાવી દેશે. બીજી તરફ, BNP નું માનવું છે કે રાતોરાત નવું બંધારણ લાવવાથી દેશમાં ગંભીર કાનૂની અને બંધારણીય સંકટ ઊભું થશે.

૧૭ સભ્યોની વિશેષ સંસદીય સમિતિનો બહિષ્કાર

આ રાજકીય ગતિરોધ ઉકેલવા માટે તારિક રહેમાન સરકારે ૨૯ એપ્રિલે સંસદમાં ૧૭ સભ્યોની વિશેષ સમિતિની રચના કરી હતી, જેમાં BNP માટે ૭, જમાત માટે ૫ અને અન્ય પક્ષો માટે ૫ બેઠકો રાખવામાં આવી હતી. પરંતુ જમાત-એ-ઇસ્લામીએ આ સમિતિનો સંપૂર્ણ બહિષ્કાર કરીને સંસદીય સંવાદના દરવાજા બંધ કરી દીધા છે.

રાજકીય વિશ્લેષકોના મતે, જમાત સંસદીય પ્રક્રિયાને બદલે શેરી હિંસા અને જનશક્તિના જોરે સત્તાને ઝુકાવવા માંગે છે. જો યોગ્ય સમયે આ મડાગાંઠનો ઉકેલ નહીં આવે, તો બાંગ્લાદેશ ફરી એકવાર હિંસક ગૃહયુદ્ધ અને અરાજકતાની આગમાં હોમાઈ શકે છે.

 

(7:32 PM IST)