<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

કેન્દ્ર સરકાર સાથેની વાટાઘાટો સફળ રહ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા દિલ્હીમાં ચાલતું દેશવ્યાપી આંદોલન આખરે સત્તાવાર રીતે પાછું ખેંચાયું : જુઓ વિડિયો

તમામ માંગણીઓ મંજૂર થતાં જંતર-મંતરથી પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે ઘરવાપસી કરવા માટે સીજેપી નેતૃત્વની આગ્રહભરી અપીલ : NEET પીડિત પરિવારોને ₹૧ કરોડનું વળતર અને ચાર અઠવાડિયામાં શિક્ષણ સુધારા અંગે પુનઃ સમીક્ષા બેઠક યોજાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) ના પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ વાટાઘાટો અંતે સફળ રહી છે. સરકાર સાથેની આ ઉચ્ચસ્તરીય બેઠક બાદ કૉક્રોચ જનતા પાર્ટીએ પોતાના તમામ મુદ્દાઓ ઉકેલાઈ જતાં દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અશુતોષ રાંકાએ તમામ પ્રદર્શનકારીઓ અને વિદ્યાર્થીઓને આંદોલન તુરંત આટોપીને શાંતિપૂર્ણ રીતે પોતપોતાના ઘરે પરત ફરવા માટે અપીલ કરી છે.

 

 NEET પીડિત પરિવારો માટે ₹૧ કરોડનું આર્થિક વળતર મંજૂર:

સરકાર સાથેની બેઠક બાદ વિગતો આપતાં સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા અશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે NEET પેપર લીક અને અનિયમિતતાઓને કારણે જીવ ગુમાવનારા પીડિત વિદ્યાર્થીઓના પરિવારોને ₹૧ કરોડનું વળતર આપવાની તેમની મુખ્ય માંગણીનો સરકારે સ્વીકાર કરી લીધો છે. નિયમો અને જોગવાઈઓના દાયરામાં રહીને સરકાર તમામ પીડિત પરિવારોને આ સન્માનજનક વળતર ચૂકવવા માટે સંમત થઈ છે. આ ઉપરાંત આગામી રણનીતિ અને અન્ય મુદ્દાઓ અંગે ભવિષ્યમાં જાણ કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

 

 શિક્ષણ સુધારા માટે ૫ મુદ્દાનું ચાર્ટર: ચાર અઠવાડિયામાં ફરી યોજાશે બેઠક:

આંદોલન સમાપ્ત કરવાની ઘોષણા કરતા સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે પાર્ટી પરસ્પર સમજુતી અને વિશ્વાસના આધારે આ આંદોલન પાછું ખેંચી રહી છે. સરકારે નક્કી કરેલી સમયમર્યાદામાં તમામ સ્વીકારેલી શરતોનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત સીજેપી દ્વારા દેશની સમગ્ર શિક્ષણ પ્રણાલી અને પરીક્ષા પદ્ધતિમાં વ્યાપક સુધારા લાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ ૫ મુદ્દાનું માંગપત્રક (ચાર્ટર) રજૂ કરવામાં આવ્યું છે. આ શિક્ષણ સુધારા પર આગળ કામ કરવા અને સંયુક્ત રીતે પગલાં ભરવા માટે આગામી ચાર અઠવાડિયામાં સરકાર સાથે ફરી એકવાર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે.

(5:39 PM IST)