તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
શેરડી અને ચોખા બાદ હવે મકાઈના ઇથેનોલ પર દબાણ વધતાં મોંઘવારીનો માર: ઇંડા, ચિકન અને દૂધ થશે વધુ મોંઘા
તેલ કંપનીઓ દ્વારા ૧૧૦૦ કરોડ લિટર ઇથેનોલ ખરીદીના લક્ષ્યાંકને પગલે મકાઈના ભાવ આસમાને પહોંચ્યા, પોલ્ટ્રી અને ડેરી ઉદ્યોગ પર ગંભીર અસરોની ભીતિ

નવી દિલ્હી : શેરડી અને ચોખામાંથી ઇથેનોલ ઉત્પાદન પર લાદવામાં આવેલા મર્યાદિત નિયંત્રણો બાદ હવે ઇથેનોલ ઉદ્યોગની નિર્ભરતા મકાઈ પર નોંધપાત્ર રીતે વધી રહી છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો માટે આગામી દિવસોમાં ઇંડા, ચિકન, દૂધ અને પ્રોસેસ્ડ ફૂડના ભાવમાં મોટો ઉછાળો આવવાની ગંભીર ચિંતા ઊભી થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દેશમાં તેલ કંપનીઓ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ૧,૧૦૦ કરોડ લિટર ઇથેનોલ ખરીદવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સ્થાનિક બજારમાં ખાંડ અને ચોખાની અછત નિવારવા શેરડીના રસ તથા બી-હેવી મોલાસીસમાંથી ઇથેનોલ ખરીદી પર સ્થગિતતા લાદવામાં આવી હોવાથી મકાઈનો ઉપયોગ વધારવાની નોબત આવી છે.
આ નિયંત્રણોને પગલે ઇથેનોલ ઉત્પાદન માટે મકાઈનો વપરાશ ૧૩ મિલિયન ટનથી વધીને ૧૬ મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ કૃષિ મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે, જેના લીધે બજારમાં મકાઈના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ ₹૨,૪૧૦ ના બદલે ₹૨૯ થી ₹૩૦ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે.
મકાઈના ભાવમાં થયેલા આ સીધા વધારાની સૌથી માઠામાં માઠી અસર પોલ્ટ્રી અને ડેરી ઉદ્યોગ પર જોવા મળશે, કારણ કે મકાઈ એ ચિકન ફીડ તથા પશુ આહારનો મુખ્ય ઘટક હોવાથી પશુપાલન અને મરઘાં ઉછેરનો ઉત્પાદન ખર્ચ વધતાં દૂધ અને ઈંડાના ભાવ મોંઘા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ ઉપરાંત મકાઈમાંથી સ્ટાર્ચ ઉત્પન્ન કરતા ઉદ્યોગો સહિત ફૂડ પ્રોસેસિંગ, કાગળ, કાપડ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા એકમોને પણ આ મોંઘવારી અને કાચા માલની તંગીનો સીધો આર્થિક ફટકો સહન કરવો પડી શકે છે.
આગામી સમયમાં નબળા ચોમાસાની સ્થિતિ વચ્ચે મકાઈની પૂરતી ઉપલબ્ધતા જાળવી રાખવી સરકાર માટે મોટો પડકાર બની રહેશે, ત્યારે ખાદ્ય પદાર્થોના ભાવ પર અંકુશ મેળવવા માટે વૈકલ્પિક અનાજના ઉપયોગ અને નીતિગત સુધારાઓ પર તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
