તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
ટેલિકોમ પછી હવે ટેકનોલોજી પર એરટેલનો કબ્જો: આગામી ૧૦ વર્ષમાં ₹૩.૩ લાખ કરોડના રોકાણ સાથે બદલાશે ભારતનું ડિજિટલ ભવિષ્ય
એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે વાર્ષિક અહેવાલમાં જાહેર કર્યા ત્રણ નવા ગ્રોથ એન્જિન: આરબીઆઈની મંજૂરી સાથે ‘એરટેલ મની’માં ₹૨૦,૦૦૦ કરોડ અને ક્લાઉડ-ડેટા સેન્ટર્સ માટે અબજો ડોલરના રોકાણની ધમાકેદાર જાહેરાત

નવી દિલ્હી : ભારતની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલ હવે માત્ર કોલિંગ અને ઇન્ટરનેટ પૂરતી મર્યાદિત રહેવા માંગતી નથી, પરંતુ દેશની ડિજિટલ ક્રાંતિની આગેવાની કરવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. કંપનીના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે વાર્ષિક અહેવાલમાં એક સનસનાટીભર્યો ખુલાસો કરતા જણાવ્યું છે કે એરટેલે છેલ્લા એક દાયકામાં દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ₹૩.૩ લાખ કરોડથી વધુનું આંધણ કર્યું છે. હવે કંપની પોતાના વિકાસના આગામી સુવર્ણ તબક્કા માટે ટેલિકોમ સેક્ટરની બહાર નીકળીને ત્રણ નવા મેગા પાવર એન્જિન—નાણાકીય સેવાઓ (ફાઇનાન્સિયલ સર્વિસિસ), ડેટા સેન્ટર્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ પર સૌથી મોટો જુગાર રમવા જઈ રહી છે.
આ ત્રિપાંખીયા વ્યૂહરચનામાં સૌથી મોટો ધડાકો નાણાકીય ક્ષેત્રે થયો છે, જ્યાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ એરટેલની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની ‘એરટેલ મની’ને ડિપોઝિટ ન લેતી નાણાકીય સંસ્થા તરીકે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળતાની સાથે જ મિત્તલે ‘એરટેલ મની’માં ₹૨૦,૦૦૦ કરોડના તોતિંગ રોકાણની જાહેરાત કરી છે, જે ભારતના ગ્રામીણ વિસ્તારો સુધી ડિજિટલ બેંકિંગ પહોંચાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. બીજી તરફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સ્ટોરેજના વધતા ક્રેઝને પહોંચી વળવા માટે એરટેલની પેટા કંપની ‘નેક્સ્ટ્રા’ એ ૧ ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરો ઊભા કરવા માટે વૈશ્વિક બજારમાંથી ૧ અબજ ડોલર (આશરે ₹૯,૫૦૦ કરોડ) નું ભંડોળ એકત્ર કરી લીધું છે.
કંપનીનું ત્રીજું અને સૌથી આધુનિક હથિયાર ‘એરટેલ ક્લાઉડ’ છે, જેને ભારતીય કોર્પોરેટ જગત તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને કંપનીએ ટૂંકા ગાળામાં જ ૨૪ થી વધુ મોટા બિઝનેસ કરારો આટોપી લીધા છે. સુનીલ મિત્તલે કેન્દ્ર સરકારની લાંબા ગાળાની કર મુક્તિ (ટેક્સ હોલીડે) ની નીતિઓને બિરદાવતા કહ્યું કે, સરકારના આ પ્રોત્સાહનને કારણે ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રે આ વર્ષે રોકાણ $૨૦૦ બિલિયન (₹૧૮ લાખ કરોડથી વધુ) ને વટાવી જશે. આ બધી હલચલ વચ્ચે એરટેલનું 5G નેટવર્ક પણ દેશમાં ધૂમ મચાવી રહ્યું છે, જેના ગ્રાહકોની સંખ્યા ૧૮૮ મિલિયન (૧૮.૮ કરોડ) ના આંકડાને સ્પર્શી ગઈ છે અને કંપનીનો અડધાથી વધુ વાયરલેસ ડેટા ટ્રાફિક હવે સુપરફાસ્ટ 5G પ્લસ નેટવર્ક પર ટ્રાન્સફર થઈ રહ્યો છે જે એરટેલને ભવિષ્યની અજેય ટેક કંપની બનાવે છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
