<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

કેરળમાં યુડીએફની ભવ્‍ય જીત બાદ મુખ્‍યમંત્રી પદ માટે ખેંચતાણ શરૂ ૪૭ ધારાસભ્‍યોના ટેકા સાથે કેસી વેણુગોપાલ રેસમાં સૌથી આગળ

હાઈકમાન્‍ડ મલ્‍લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે અંતિમ નિર્ણય, સાથી પક્ષ મુસ્‍લિમ લીગનું વીડી સતીસનને સમર્થન

કેરળ વિધાનસભા ચૂંટણીમાં ૬૩ બેઠકો જીતીને કોંગ્રેસના નેતૃત્‍વ હેઠળના યુડીએફ ગઠબંધને પ્રચંડ વિજય મેળવ્‍યો છે, પરંતુ હવે મુખ્‍યમંત્રી પદ માટે આંતરિક ખેંચતાણ તેજ બની છે.

રાજ્‍યમાં સરકાર બનાવવાની તૈયારીઓ વચ્‍ચે મુખ્‍યમંત્રી કોણ બનશે તેને લઈને ભારે સસ્‍પેન્‍સ જોવા મળી રહ્યું છે. પાર્ટીના મહાસચિવ અને રાહુલ ગાંધીના અત્‍યંત નજીકના મનાતા કેસી વેણુગોપાલ આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. તાજેતરમાં કેન્‍દ્રીય નિરીક્ષકો દ્વારા ધારાસભ્‍યો સાથે કરવામાં આવેલી વન-ટુ-વન બેઠકમાં ૬૩ માંથી ૪૭ ધારાસભ્‍યોએ વેણુગોપાલના નામ પર મહોર લગાવી છે. સન્ની જોસેફ અને સંદીપ વોરિયર જેવા વરિષ્ઠ નેતાઓ પણ તેમના પક્ષમાં છે. બીજી તરફ મુખ્‍યમંત્રી પદના અન્‍ય દાવેદાર રમેશ ચેન્નીથલાને માત્ર ૮ અને વિપક્ષી નેતા ડી સતીસનને ૬ ધારાસભ્‍યોનું સમર્થન મળ્‍યું છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાની સત્તા રાષ્ટ્રીય અધ્‍યક્ષ મલ્‍લિકાર્જુન ખડગેને સોંપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય રાજકીય વિશ્‍લેષકો માને છે કે કેરળનો આ વિજય દક્ષિણ ભારતમાં કોંગ્રેસ માટે એક મોટો ટર્નિગ પોઈન્‍ટ સાબિત થશે. સાથી પક્ષ ઇન્‍ડિયન યુનિયન મુસ્‍લિમ લીગ દ્વારા સતીસનને ટેકો જાહેર કરવામાં આવતા ગઠબંધનમાં થોડી અસ્‍વસ્‍થતા જોવા મળી છે. આગામી શનિવાર કે રવિવાર સુધીમાં દિલ્‍હીથી હાઇકમાન્‍ડ નવા મુખ્‍યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરશે અને ત્‍યારબાદ શપથગ્રહણ સમારોહ યોજાશે.

(2:49 PM IST)