<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

વોટ્સએપ પછી હવે ટેલિગ્રામ અને સિગ્નલ પણ સરકારના સકંજામાં : યુઝરનેમ ફીચર બન્યું વિવાદનું નવું કેન્દ્ર

સાયબર ગુનેગારો માટે મોકળું મેદાન બનતા યુઝરનેમ ફીચર સામે કેન્દ્ર સરકાર લાલઘૂમ : છેતરપિંડી અને ડિજિટલ ધરપકડના વધતા કેસો વચ્ચે મેસેજિંગ એપ્સને અલ્ટીમેટમ આપી પૂછવામાં આવ્યું- 'તમારી સામે કેમ પગલાં ન લેવા?'

નવી દિલ્હી:  ભારતમાં ઓનલાઈન સુરક્ષા અને સાયબર ક્રાઈમને રોકવા માટે કેન્દ્ર સરકારે હવે કમર કસી લીધી છે, જેના કારણે સોશિયલ મીડિયા દિગ્ગજોમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ વોટ્સએપના આગામી 'યુઝરનેમ ફીચર' સામે વાંધો ઉઠાવ્યા બાદ, આઈટી મંત્રાલયે હવે પોતાનો તપાસનો દાયરો વધારીને ટેલિગ્રામ અને સિગ્નલ જેવી લોકપ્રિય સિક્યોર મેસેજિંગ એપ્સને પણ કડક નોટિસ ફટકારી છે. સરકારની સૌથી મોટી ચિંતા એ છે કે યુઝરનેમ ફીચરના કારણે સાયબર ગુનેગારોને કોઈપણ વ્યક્તિના પર્સનલ મોબાઈલ નંબર વગર પણ તેના સુધી પહોંચવાનો સીધો રસ્તો મળી જાય છે. આ લૂપહોલનો ઉપયોગ કરીને દેશમાં ફિશિંગ, ઓનલાઈન છેતરપિંડી અને ડરાવી-ધમકાવીને પૈસા પડાવતી 'ડિજિટલ ધરપકડ'  જેવી ખતરનાક ઘટનાઓમાં બહુ મોટો ઉછાળો આવી શકે છે.

આ નોટિસ બાદ સરકાર અને ટેક કંપનીઓ સામસામે આવી ગઈ છે, જેના કારણે ભારતમાં ડિજિટલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેલિગ્રામને મોકલેલી નોટિસમાં તો સરકારે ત્યાં સુધી પૂછી લીધું છે કે પ્લેટફોર્મ પર આ ફીચર ચાલુ રાખવાની મંજૂરી જ કેમ આપવી જોઈએ? સરકારની આ કડકાઈ પાછળનો મુખ્ય હેતુ નકલી એકાઉન્ટ્સ અને ઓળખ છુપાવીને થતી છેતરપિંડીને જડમૂળથી ઉખાડી ફેંકવાનો છે. બીજી તરફ, વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા ને આ મામલે સરકાર સાથેની ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતમાં આ ફીચર લોન્ચ ન કરવા માટે સખત આદેશ આપવામાં આવ્યા છે, સાથે જ આઈટી એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ અપાઈ છે.

જો કે, આ વિવાદ વચ્ચે મેસેજિંગ એપ્સ પોતાની સુરક્ષા સિસ્ટમનો બચાવ કરી રહી છે. વોટ્સએપ અને અન્ય પ્લેટફોર્મ્સનું કહેવું છે કે યુઝરનેમ ફીચર યુઝર્સની પ્રાઈવસી વધારવા માટે છે અને તેમાં છેતરપિંડી કે નકલ અટકાવવા માટે પહેલેથી જ મજબૂત સુરક્ષા કવચ સામેલ કરવામાં આવ્યું છે. આ અગાઉ, પેપર લીક અને શંકાસ્પદ પ્રવૃત્તિઓના કારણે ટેલિગ્રામ પર થોડા દિવસો માટે કામચલાઉ પ્રતિબંધ પણ મુકાયો હતો, જે દર્શાવે છે કે સરકાર હવે રાષ્ટ્રીય સુરક્ષા અને યુઝર્સની ડિજિટલ સેફ્ટી બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. હવે જોવાનું એ રહેશે કે આ લોકપ્રિય એપ્સ સરકારને સંતોષકારક જવાબ આપીને ભારતમાં પોતાનું અસ્તિત્વ સુરક્ષિત રાખી શકે છે કે કેમ.

(10:01 PM IST)