તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
વર્ષોની પીડા બાદ હાથણી 'માણિકી' જામનગરના અનંત અંબાણીના "વનતારા" પહોંચી: હવે મળશે સારવાર અને સુખદ જીવન
48 વર્ષની માણિકીના પગમાં લાંબા સમયની ખોડ, આંખે નબળી દ્રષ્ટિ, ડિહાઇડ્રેશનથી પીડિત: આસામ હાઇવે પરનો વીડિયો વાઈરલ થતા બચાવ અભિયાન શરૂ થયું : સુપ્રીમ કોર્ટ સમિતિ અને બંને રાજ્યોની મંજૂરીથી જામનગર વનતારામાં સ્થળાંતર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : 48 વર્ષથી પીડા ભોગવતી હાથણી 'માણિકી' માટે આખરે રાહતના સમાચાર છે. આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણ, એક આંખમાં નબળી દ્રષ્ટિ, ઘામાં ચેપ, ડિહાઇડ્રેશન અને શરીરની નબળાઈથી પીડાતી માણિકીને હવે વનતારા, જામનગર ખાતે સારવાર અને આજીવન સંભાળ માટે લાવવામાં આવી છે.
થોડા સમય પહેલા માણિકીને સારવાર માટે લઈ જતી વખતે આસામના હાઇવે પર પીડાદાયક રીતે લંગડાતી તેની હાલતનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ દ્રશ્યોએ દેશભરના લોકોના હૈયા હચમચાવી દીધા. ચિંતિત નાગરિકો, પ્રાણી કલ્યાણ કાર્યકરો અને જાહેર જનતાએ તેને તાત્કાલિક સહાય મળે તે માટે અપીલો કરી અને બચાવ માટે હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું. માણિકીની પીડા સામૂહિક ચિંતાનો વિષય બની.
માણિકીને લાંબા સમયની હોસ્પિટલ-આધારિત સારવારની જરૂર હોવાથી તેની માલિક રુચિ ચેતિયાએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પીડિત વન્ય જીવોના બચાવ અને સંભાળ સમિતિને પત્ર લખી વિનંતી કરી હતી. આસામ અને ગુજરાત સરકારની જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ માણિકીને સુરક્ષિત રીતે વનતારા પહોંચાડવામાં આવી છે.
વનતારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "માણિકીનો હેલ્થ રિપોર્ટ દર્શાવે છે કે તેને સુરક્ષિત અને વિશિષ્ટ સંભાળની જરૂર છે. તેની નબળી ચાલ, લંગડાપણું, ડિહાઇડ્રેશન, ઘામાં ચેપ અને અન્ય સમસ્યાઓ માટે સંરચિત લાંબાગાળાની સારવાર જરૂરી છે. અમારી તાકીદની પ્રાથમિકતા દવા, હાઇડ્રોથેરાપી અને એક્યુપંક્ચર દ્વારા પીડા ઘટાડવી, ઘાની સંભાળ અને પોષણ આપવાની છે."
વનતારાનું નરમ માટીવાળું કુદરતી વાતાવરણ તેના ઘાયલ પગ પરનું દબાણ ઓછું કરશે. કુદરતી તળાવોમાં હાઇડ્રોથેરાપીથી તેના અંગો પરનું વજન હળવું થશે. કુદરતી ચારો અને અન્ય હાથીઓનો સંગાથ તેને આરામ અને ગરિમા આપશે.
માણિકીનું રેસ્ક્યુ એ વાતની યાદ અપાવે છે કે સહિયારા અવાજ, જવાબદારીપૂર્ણ પસંદગીઓ અને સંકલિત પ્રયાસો થકી પ્રાણીઓનું જીવન બદલી શકાય છે. વનતારામાં માણિકી હવે ઉપચાર, સંભાળ અને શાંતિનો નવો અધ્યાય શરૂ કરે છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
