<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

ટાલ પર ફરીથી વાળ ઉગાડવાના ભ્રામક દાવા કરનાર આયુર્વેદિક હેર ઓઇલ સામે મહારાષ્ટ્ર FDA ની મોટી કાર્યવાહી: રૂ. ૫૦ લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત

સોશિયલ મીડિયા પર જાહેરાતો આપીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી 'વી એસ હેર ગ્રોથ ઓઇલ' ની બોટલો ઝડપાઈ, ઉત્પાદન લાઇસન્સ વગર વેચાણ કરનારા માલિક સામે તપાસનો ધમધમાટ

નાસિક : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ગ્રાહકો સાથે આચરવામાં આવતી છેતરપિંડી અને ભ્રામક દાવાઓ સામે એક કડક લાલબત્તી સમાન કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ટાલ પર ફરીથી વાળ ઉગાડવાના મોટા-મોટા દાવા કરનાર આયુર્વેદિક હેર ઓઇલની ૫,૦૪૦ બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત ૫૦.૩૫ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

 

FDA ના નાસિક વિભાગના અધિકારીઓ દ્વારા 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦' હેઠળ ગત ૫ નવેમ્બરના રોજ એક બ્યુટી સલૂન અને ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલા સ્થળ પર અચાનક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન આ ગેરકાયદેસર અને ભ્રામક રીતે વેચાતા જથ્થાનો પર્દાફાશ થયો હતો.

 

આ ઉત્પાદનનું 'વી એસ હેર ગ્રોથ ઓઇલ' તરીકે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોરશોરથી માર્કેટિંગ કરવામાં આવતું હતું અને એવો દાવો કરાતો હતો કે આ તેલના ઉપયોગથી ટાલ પડી ગઈ હોય તેવા વ્યક્તિઓમાં પણ ફરીથી વાળ ઉગી શકે છે, પરંતુ તપાસ દરમિયાન આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા સાબિત થયા છે.

 

તપાસમાં સામે આવ્યું છે કે જપ્ત કરાયેલી બોટલો પર ૧૦૦ મિલી દીઠ ૯૯૯ રૂપિયાની મહત્તમ છૂટક કિંમત (MRP), બેચ નંબર અને ઉત્પાદન તારીખ છાપવામાં આવી હતી, પરંતુ તેના પર અસલી ઉત્પાદકનું નામ, પૂરતું સરનામું કે ડ્રગ્સ કંટ્રોલ વિભાગનું ઉત્પાદન લાઇસન્સ નંબર જેવી કાનૂની વિગતો ગાયબ હતી.

 

આ સંસ્થાના માલિક યોગેશ ભગત પાસે આયુર્વેદિક પ્રોડક્ટના ઉત્પાદન કે વેચાણ માટેનું કોઈપણ કાયદેસરનું લાયસન્સ કે પરવાનગી ન હોવાનું સ્પષ્ટ થતાં FDA દ્વારા સમગ્ર સ્ટોક જપ્ત કરી લેવાયો છે, અને આ બનાવટી અને ભ્રામક તેલનું અસલી ઉત્પાદન ક્યાં અને કોના દ્વારા કરવામાં આવતું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

 

(7:51 PM IST)