<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ આક્રમક વલણ અને ગંગા જળ સંધિ મુદ્દે વધતો વિવાદ: સરકાર સામે હજારો લોકો રસ્તા પર ઉતર્યા

વધતી મોંઘવારી, બેરોજગારી અને પાણીની વહેંચણીના મુદ્દે બાંગ્લાદેશમાં તીવ્ર વિરોધ પ્રદર્શન; આગામી સમયમાં સંબંધો વધુ તણાવપૂર્ણ બનવાની આશંકા.

ઢાકા : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સરકાર વિરુદ્ધ ભારે જનઆક્રોશ જોવા મળ્યો છે, જ્યાં મોંઘવારી, બેરોજગારી, વીજળી અને ગેસની તીવ્ર અછત તેમજ ભારત સાથેના સંબંધો તથા ગંગા જળ સંધિના મુદ્દે હજારો લોકો રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, નેશનલ સિટિઝન પાર્ટી (NCP)ના નેતા નાહિદ ઇસ્લામના નેતૃત્વમાં યોજાયેલી આ વિશાળ સભામાં સરકાર સામે ‘ના દિલ્હી, ના ઢાકા’ જેવા આક્રમક નારા પણ લગાવવામાં આવ્યા હતા અને ગૃહમંત્રી તથા ઊર્જામંત્રીના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી.

 

ઘટનાની વિગતવાર માહિતી આપતા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ૩૦ વર્ષ જૂની ગંગા જળ વહેંચણી સંધિ આ વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે, જેને લઈને નાહિદ ઇસ્લામે ચેતવણી આપી છે કે જો યોગ્ય શરતો સાથે આ સંધિનું નવીનીકરણ નહીં થાય તો દેશમાં ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 

બાંગ્લાદેશમાં ગંગા નદીને ‘પદ્મા’ તરીકે ઓળખવામાં આવે છે અને દેશની લગભગ એક તૃતીયાંશ વસ્તી પાણીની જરૂરિયાતો માટે આ નદી પર નિર્ભર હોવાથી જળ સંધિનો આ મા મુદ્દો ત્યાં અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે.

 

આ પ્રદર્શન દરમિયાન નેતાઓએ સરકાર પર ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેવાનો ગંભીર આરોપ મૂક્યો છે તથા જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં વ્યાપક રેલીઓ યોજવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

આગામી સમયમાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અને પાણીની ફાળવણીને લઈને યોજાનારી ચર્ચાઓ પર આ રાજકીય ઉથલપાથલની ઊંડી અસરો પડવાની પૂરી સંભાવના છે.

(8:02 PM IST)