તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
લદ્દાખમાં લોકશાહી અધિકારો માટે આંદોલન ઉગ્ર : કારગિલ બંધ, ચૂંટણી મુલતવી રાખવા અને સીમાંકનની સમીક્ષાની માંગ
કડકડતી ઠંડીમાં ચૂંટણી યોજવાથી હજારો મતદારો મતદાનથી વંચિત રહેવાની ભીતિ : ‘સેવ ડેમોક્રેસી’ કેન્ડલ માર્ચ, સ્થાનિક ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી

જમ્મુ (સુરેશ એસ. ડુગ્ગર) : લદ્દાખમાં લોકશાહી અધિકારો અને સ્થાનિક સ્વાયત્તતાની માંગ સાથે આંદોલન ફરી ઉગ્ર બન્યું છે. કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ સહિત રાજકીય, ધાર્મિક અને વેપારી સંગઠનોના આહ્વાનથી આજે કારગિલમાં બંધ પાળવામાં આવ્યો હતો. બજારો બંધ રહ્યાં હતાં અને સાંજે ‘સેવ ડેમોક્રેસી’ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આંદોલનકારીઓએ ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદની ચૂંટણી યોજવાનો વિરોધ કર્યો છે. સાંસદ હાજી હનીફા જાને જણાવ્યું કે શિયાળામાં આશરે ૨૫ ટકા વસ્તી અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરતી હોવાથી મતદાનને અસર થઈ શકે છે. સંગઠનોએ સીમાંકનની સમીક્ષા કરી ચૂંટણી એપ્રિલ-મે ૨૦૨૭માં યોજવાની માંગ કરી છે. કેટલાક સંગઠનોએ ૨૧ નવેમ્બરથી સ્થાનિક ચૂંટણીઓના બહિષ્કારની જાહેરાત પણ કરી છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
