તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 23rd September 2026
ત્રણ દિવસની પ્રસ્તાવિત બેન્ક હડતાળ પહેલાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને ૨૫ સપ્ટેમ્બરે પગાર, વેતન અને પેન્શન ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે વિવિધ માગણીઓને લઈને ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે: રાજ્ય સરકારો અંગે હજુ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી: ન્યુઝ ફર્સ્ટ

નવી દિલ્હી : દેશવ્યાપી પ્રસ્તાવિત બેન્ક હડતાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનાનો પગાર, વેતન અને પેન્શન ૨૫ સપ્ટેમ્બરે ચૂકવવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય હેઠળના મહાલેખા નિયંત્રક દ્વારા આજે ૨૩ સપ્ટેમ્બરે આ અંગે સત્તાવાર કાર્યાલય આદેશ જારી કરવામાં આવ્યો છે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે વિવિધ માગણીઓને લઈને ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ સમયગાળા દરમિયાન બેન્કિંગ વ્યવહારોમાં વિક્ષેપ પડવાની સંભાવનાને પગલે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને અગવડ ન પડે તે માટે આગોતરી ચુકવણીનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ ઉપરાંત સંરક્ષણ, ટપાલ અને દૂરસંચાર વિભાગના કર્મચારીઓને લાગુ પડશે. કેન્દ્ર સરકારના ઔદ્યોગિક કર્મચારીઓને પણ સપ્ટેમ્બરનું વેતન ૨૫ સપ્ટેમ્બરે આગોતરું ચૂકવી શકાશે. તમામ કેન્દ્રીય પેન્શનરોનું સપ્ટેમ્બરનું પેન્શન પણ બેન્કો અથવા પગાર અને હિસાબ કચેરીઓ દ્વારા એ જ દિવસે ચૂકવવામાં આવશે.
આ રીતે ચૂકવાયેલ પગાર, વેતન અને પેન્શનને આગોતરી ચુકવણી ગણવામાં આવશે. સંપૂર્ણ મહિનાની રકમ નક્કી થયા બાદ જરૂરી તફાવતનું સમાયોજન ઓક્ટોબરના પગાર અથવા વેતનમાંથી કરવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં થનારી અન્ય સરકારી ચુકવણીઓ અને બેન્કિંગ વ્યવહારો પણ શક્ય હોય ત્યાં સુધી અગાઉથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
રાજ્ય સરકારો અંગે હજુ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
