<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

અમદાવાદ એર ઇન્‍ડિયા પ્‍લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં

સુપ્રીમ કોર્ટમાં કેન્‍દ્રએ રજૂ કર્યો જવાબ

નવી દિલ્‍હી,તા.૧૯: કેન્‍દ્ર સરકારે બુધવારે સર્વોચ્‍ચ અદાલતને જણાવ્‍યું હતું કે, અમદાવાદમાં જૂન ૨૦૨૫માં થયેલી એર ઈન્‍ડિયા વિમાન દુર્ઘટના જેમાં ૨૬૦ લોકોના મોત થયા હતા તેની તપાસ હવે તેના અંતિમ તબક્કામાં છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્ય કાંત અને ન્‍યાયાધીશો જોયમાલ્‍યા બાગચી તથા વી. મોહનાની બનેલી ખંડપીઠ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. મહેતાએ કહ્યું, અમે તપાસના એકદમ અંતિમ તબક્કામાં છીએ, અને ઉમેર્યું કે અમે જાણીજોઈને વિલંબ કરીએ તેવું કોઈ કારણ જ નથી.

મહેતાએ જણાવ્‍યું હતું કે, તપાસકર્તાઓએ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન કરવું પડે છે, અને તેમણે ખંડપીઠને આ મામલાની સુનાવણી બે કે ત્રણ અઠવાડિયા માટે મુલતવી રાખવા વિનંતી કરી. આ કેસમાં એક પક્ષ વતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે ખંડપીઠને આ બાબતે વહેલી સુનાવણી કરવા વિનંતી કરી. ભૂષણે કોર્ટનું ધ્‍યાન દોર્યું કે, અંતિમ અહેવાલ હજુ સુધી જાહેર કરવામાં આવ્‍યો નથી. ટૂંકી રજૂઆતો સાંભળ્‍યા બાદ, ખંડપીઠે આ મામલાની સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખી.

આ વર્ષે ૨૮ જુલાઈએ, ખંડપીઠને જણાવવામાં આવ્‍યું હતું કે ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં થયેલી AI-૧૭૧ વિમાન દુર્ઘટના અંગે 'એરક્રાફટ એક્‍સિડન્‍ટ ઇન્‍વેસ્‍ટિગેશન બ્‍યુરો' (AAIB) દ્વારા કરવામાં આવેલી તપાસનો ડ્રાફટ અંતિમ અહેવાલ, ઓક્‍ટોબરના પ્રથમ સપ્તાહમાં સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોર્ટ કેટલીક અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેમાં મૃત પાઈલટના પિતા પુષ્‍કર રાજ સભરવાલ અને 'સેફટી મેટર્સ ફાઉન્‍ડેશન' નામની એનજીઓ (NGO) દ્વારા દાખલ કરાયેલી અરજીઓનો સમાવેશ થાય છે. આ અરજીઓમાં દુર્ઘટનાની સ્‍વતંત્ર અને કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. AAIBએ જણાવ્‍યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનાના કોકપિટ વોઈસ રેકોર્ડિગ્‍સ અને એરબોર્ન ઈમેજ રેકોર્ડિગ્‍સને કોઈપણ બાહ્ય સમિતિ અથવા જાહેર જનતા સમક્ષ જાહેર કરવા પર કાયદાકીય રીતે સંપૂર્ણ પ્રતિબંધ છે

(11:18 AM IST)