તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
વિદેશમાં ડૉક્ટર બનવા ગયેલો અમદાવાદનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં રહસ્યમય રીતે લાપતા: છેલ્લા ૯ દિવસથી સંપર્ક તૂટતાં પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો
પીજી (PG) સંચાલકો દ્વારા બંધક બનાવી માનસિક ત્રાસ અપાતો હોવાનો પરિવારનો ચોંકાવનારો આક્ષેપ; જ્યોર્જિયા પોલીસની નિષ્ક્રિયતા બાદ લાચાર માતા-પિતાએ વિદેશ મંત્રાલય પાસે લગાવી ગુહાર

અમદાવાદ: ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે સાત સમુદ્ર પાર મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા અમદાવાદના એક આશાસ્પદ વિદ્યાર્થીના ગાયબ થવાના સમાચારથી પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું છે. યુરોપના જ્યોર્જિયા દેશમાં MBBSનો અભ્યાસ કરતો અમદાવાદનો યુવક ધ્વનિત છેલ્લા ૯ દિવસથી રહસ્યમય સંજોગોમાં સંપર્ક વિહોણો બન્યો છે. ગત ૧૪મી મેથી ધ્વનિતનો ફોન અથવા અન્ય કોઈ માધ્યમથી સંપર્ક ન થઈ શકતા વતન અમદાવાદમાં રહેતા તેના માતા-પિતા અને સ્નેહીજનો ભારે આઘાતમાં સરી પડ્યા છે અને તેમના દિવસ-રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.
પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અત્યંત ચોંકાવનારા છે. ધ્વનિતના માતા-પિતાના જણાવ્યા અનુસાર, જ્યોર્જિયામાં તે જે પેઇંગ ગેસ્ટ (PG)માં રહેતો હતો, ત્યાંના સંચાલકો છેલ્લા એક મહિનાથી તેને અસહ્ય હેરાનગતિ કરી રહ્યા હતા. આ પીજી સંચાલકોએ અગાઉ ધ્વનિતને ગેરકાયદેસર રીતે બંધક પણ બનાવ્યો હતો અને તેની પાસે મોટી રકમની ઉઘરાણી કરીને સતત માનસિક ત્રાસ આપતા હતા. આ ગંભીર બાબત અંગે સ્થાનિક જ્યોર્જિયા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હોવા છતાં, ત્યાંની પોલીસે ૯ દિવસ વીતી ગયા પછી પણ તપાસની દિશામાં એક પણ ડગલું ભર્યું નથી.
સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી: પરિવારે કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ
જ્યોર્જિયા પોલીસ અને સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ જ સહયોગ ન મળતા અંતે લાચાર બનેલા પરિવારે ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) અને ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ ન્યાય અને મદદ માટે કરુણ અરજ કરી છે. પરિવારે આક્રંદ કરતા વિદેશ મંત્રીને વિનંતી કરી છે કે તેઓ આ મામલામાં વ્યક્તિગત રસ દાખવીને જ્યોર્જિયામાં રહેલા ભારતીય દૂતાવાસ (એમ્બેસી)નો સંપર્ક સાધે.
પીજી સંચાલકોની શંકાસ્પદ ભૂમિકા અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે ધ્વનિતની સલામતી સામે મોટો ખતરો હોવાની આશંકા સેવાઈ રહી છે. પરિવારે ભારત સરકારને જ્યોર્જિયા સરકાર પર રાજદ્વારી દબાણ લાવવા અપીલ કરી છે જેથી તેમના વહાલસોયા પુત્રની સલામત શોધખોળ થઈ શકે. હાલમાં આખો પરિવાર દીકરાના હેમખેમ પાછા ફરવાની આશા સાથે વિદેશ મંત્રાલયની સત્તાવાર કાર્યવાહી તરફ મીટ માંડીને બેઠો છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
