<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

અમદાવાદની ૪૦૦ વર્ષ જૂની વિરાસત 'માતાની પછેડી'એ દુનિયા જીતી: ૮ પેઢીથી કળાને જીવંત રાખતા ચિતારા પરિવારે અપાવી વૈશ્વિક ઓળખ; હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં ચમકશે 'હરતા-ફરતા મંદિરો'

GI ટેગ મળતા કારીગરોની રોજીરોટીમાં થશે ઉદ્ધાર: પદ્મશ્રી ભાનુભાઈ ચિતારાની મહેનત રંગ લાવી - કુદરતી રંગો અને આસ્થાના સુમેળથી બનેલી આ કળા હવે ગુજરાતની અસ્મિતાનું પ્રતીક

અમદાવાદ : અમદાવાદની ૪૦૦ વર્ષ જૂની ઐતિહાસિક હસ્તકળા ‘માતાની પછેડી’એ આજે સાત સમુદ્ર પાર વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી છે. ભક્તિના પર્યાય તરીકે ઓળખાતા આ "હરતાં-ફરતાં મંદિરો" હવે GI ટેગના કાયદાકીય રક્ષણ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે. અમદાવાદનો ચિતારા પરિવાર આઠ-આઠ પેઢીઓથી આ અનમોલ પરંપરાને પોતાના હૃદયમાં સાચવીને બેઠો છે.
ભક્તિનો અનોખો માર્ગ અને 'મોબાઈલ ટેમ્પલ'
દેવીપૂજક સમુદાય દ્વારા શરૂ કરવામાં આવેલી આ કળાનો ઉદ્ભવ ખૂબ જ રસપ્રદ છે. મહેશભાઈ ચિતારા જણાવે છે કે, વર્ષો પહેલા જ્યારે મંદિરોમાં પ્રવેશ કે પૂજાની મર્યાદાઓ હતી, ત્યારે વડવાઓએ સુતરાઉ કાપડ પર માતાજીના ચિત્રો કંડારી ભક્તિનો નવો માર્ગ શોધ્યો હતો. આ પછેડીને ગમે ત્યાં પવિત્ર સ્થાને લગાવી પૂજા કરી શકાતી હોવાથી તેને 'મોબાઈલ ટેમ્પલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ નવરાત્રિ જેવા પવિત્ર તહેવારોમાં તેની વિશેષ પૂજા કરવામાં આવે છે.
કુદરતી રંગો અને અજોડ કારીગરી
આ કળાની સૌથી મોટી વિશેષતા તેમાં વપરાતા કુદરતી રંગો છે. લોખંડનો કાટ, ગોળ અને મજીઠના મૂળ જેવા કુદરતી તત્વોમાંથી લાલ, કાળા અને સફેદ રંગો તૈયાર કરવામાં આવે છે. કાપડની મધ્યમાં આદ્યશક્તિ બિરાજમાન હોય છે અને તેમની આસપાસ પૌરાણિક પ્રસંગો કંડારવામાં આવે છે, જે દરેક પછેડીને એક જીવંત વાર્તામાં પરિવર્તિત કરે છે. વિયેના અને ઓસ્ટ્રિયાના મ્યુઝિયમ સુધી પહોંચેલી આ વિરાસત હવે આધુનિક માર્કેટિંગના નવા આયામો સર કરી રહી છે.
પદ્મશ્રીથી GI ટેગ સુધીની સફર
વર્ષ ૨૦૨૩માં પદ્મશ્રીથી સન્માનિત થયેલા નેશનલ એવોર્ડ વિજેતા કલાકાર ભાનુભાઈ ચિતારાએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, GI ટેગ મળવાથી અમારી આવનારી પેઢી માટે રોજીરોટીના નવા દ્વાર ખુલ્યા છે. G-20 જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની શાન વધારનાર આ કળા આજે ૮૦ જેટલા પરિવારો દ્વારા સચવાયેલી છે. GUJCOST અને હસ્તકળા વિભાગ દ્વારા આ કારીગરોના કૌશલ્ય વિકાસ અને માર્કેટિંગ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતની આ ઐતિહાસિક વિરાસત હવે માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ શ્રમિકોની મહેનત અને અડગ આસ્થાનું જીવંત પ્રમાણ છે.

(9:06 PM IST)