<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

AI ક્યારેય માણસની બરાબરી નહીં કરી શકે! ક્વોલિટી ચેકિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુપર-ફ્લોપ જતાં ફોર્ડ કંપનીએ કાઢી મૂકેલા ૩૦૦ એન્જિનિયરોને માનભેર પરત બોલાવ્યા

પ્લાન્ટમાં ૯૦૦ AI કેમેરા લગાવવા છતાં ગાડીઓની ખામીઓ પકડવામાં ટેકનોલોજી થાપ ખાઈ ગઈ; છેવટે ફોર્ડે સ્વીકાર્યું - "એન્જિનિયરોના દાયકાઓના અનુભવ અને માનવ મગજનો કોઈ વિકલ્પ નથી"

 

વોશિંગ્ટન, તા.૩૦: સમગ્ર દુનિયામાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ભારે ક્રેઝ છે અને એવો ડર ફેલાયો છે કે AI માણસોની નોકરીઓ છીનવી લેશે. પરંતુ, અમેરિકાની દિગ્ગજ કાર ઉત્પાદક કંપની 'ફોર્ડ મોટર કંપની' (Ford Motor Company) માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે આ માન્યતાને સંપૂર્ણપણે તોડી પાડી છે. ફોર્ડ કંપનીએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે વાહનોના ક્વોલિટી ચેકિંગ (ગુણવત્તા તપાસ) માં AI ટેકનોલોજી ક્યારેય અનુભવી માનવ એન્જિનિયરોની બરાબરી કરી શકે નહીં. આ મોટી ભૂલ સમજાતાં જ કંપનીએ તાજેતરમાં નોકરીમાંથી કાઢી મૂકેલા ૩૦૦ થી વધુ અનુભવી એન્જિનિયરો અને ક્વોલિટી ઇન્સ્પેક્ટરોને ફરીથી મોટી જવાબદારી સાથે નોકરી પર રાખી લીધા છે.

૯૦૦ AI કેમેરા લગાવ્યા, પણ ટેકનોલોજી નાકામ સાબિત થઈ

વાસ્તવમાં, ફોર્ડ કંપનીએ પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં ઉત્પાદન ઝડપી બનાવવા, ખર્ચ ઘટાડવા અને ગાડીઓની ખામીઓ ઝડપથી પકડવા માટે મોટા પાયે AI ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ માટે કંપનીએ અલગ-અલગ પ્લાન્ટ્સમાં આશરે ૯૦૦ જેટલા હાઈટેક AI કેમેરા પણ ગોઠવ્યા હતા જેથી સપ્લાય ચેઈનની સમસ્યાઓ અને ઉત્પાદનની ખામીઓ પકડી શકાય. જો કે, આ પ્રયોગ લાંબો સમય સફળ ન રહ્યો અને મશીનરી માણસ જેટલી ચોકસાઈ ન આપી શકી.

ડિઝાઇન ડેટા ફીડ કરવાથી ક્વોલિટી નથી આવતી: વાઇસ પ્રેસિડેન્ટ

ફોર્ડના વાહનની હાર્ડવેર એન્જિનિયરિંગ વિંગના વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ પૂએ આ અંગે મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે,

"AI ચોક્કસપણે એક શાનદાર અને મહાન ટેકનોલોજી છે, પરંતુ તે કેટલી અસરકારક રહેશે તેનો આધાર તેને કેવા પ્રકારના ડેટા અને અનુભવથી ટ્રેન કરવામાં આવી છે તેના પર રહેલો છે. અમે અગાઉ અમારા સૌથી વરિષ્ઠ એન્જિનિયરોના દાયકાઓના અનુભવને ઓછો આંકવાની ભૂલ કરી હતી. ફક્ત કોમ્પ્યુટરમાં ડિઝાઇન ડેટા ફીડ કરી દેવાથી ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાતું નથી."

કાઢી મૂકેલા એન્જિનિયરો હવે 'AI' ના ગુરુ બનશે!

કંપનીને હવે સમજાયું છે કે જો ઓટોમેશન અને AI સિસ્ટમને વધુ સ્માર્ટ બનાવવી હશે, તો તેમાં સૌથી પહેલાં અનુભવી માણસોના જ્ઞાનની જરૂર પડશે. તેથી જ પરત બોલાવાયેલા ૩૦૦ વરિષ્ઠ એન્જિનિયરોને હવે બે મહત્વના કામ સોંપવામાં આવ્યા છે: પ્રથમ, પોતાના વર્ષોના વ્યવહારુ (પ્રેક્ટિકલ) અનુભવના આધારે આ ફ્લોપ ગયેલી AI અને મશીન લર્નિંગ સિસ્ટમ્સને વધુ સારી રીતે ટ્રેન કરવી, અને બીજું, કંપનીના યુવાન એન્જિનિયરોને યોગ્ય માર્ગદર્શન (મેન્ટરશિપ) આપવું.

નિર્ણય બદલાતા જ ફોર્ડ ફરી નંબર-૧ બની

પોતાની ભૂલ સુધારીને એન્જિનિયરોને પાછા લાવવાનો ફોર્ડનો આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે. આ ફેરફાર બાદ જ ફોર્ડ કંપની યુએસના પ્રતિષ્ઠિત 'JD પાવર પ્રારંભિક ગુણવત્તા અભ્યાસ' (Initial Quality Study) માં તમામ મુખ્ય પ્રવાહના ઓટોમેકર્સમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ફોર્ડનો આ વૈશ્વિક કિસ્સો સાબિત કરે છે કે ગમે તેટલી આધુનિક ટેકનોલોજી આવે, પણ તે માણસની સૂઝબૂઝ, તર્કશક્તિ અને વર્ષોના પ્રાયોગિક અનુભવને ક્યારેય રિપ્લેસ (બદલી) કરી શકશે નહીં. ભવિષ્ય માટે AI અને માનવ મગજનું સંયોજન જ શ્રેષ્ઠ મોડેલ છે.

(3:53 PM IST)