News of Thursday, 26th November 2026
શેરબજારમાં AI કંપનીનો ઐતિહાસિક ધમાકો: અમેરિકન ટેક કંપની ‘સેરેબ્રાસ’ના IPO લિસ્ટિંગ બાદ 1,000થી વધુ કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બન્યા
મે 2026માં $185 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા બાદ કંપનીનું વેલ્યુએશન $21.7 અબજ પર પહોંચ્યું; કર્મચારીઓને 15% ડિસ્કાઉન્ટ ભાવે શેર ખરીદવાની ખાસ સ્કીમ ફળી, CEO એન્ડ્ર્યુ ફેલ્ડમેને કર્મચારીઓની મહેનતને બિરદાવી

ન્યૂ યોર્ક, તા. ૨૬: શેરબજારમાં કોઈ કંપનીનો IPO આવે ત્યારે સામાન્ય રીતે રોકાણકારો કમાણી કરતા હોય છે, પરંતુ અમેરિકાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની ‘સેરેબ્રાસ’ (Cerebras) ના IPO એ કંપનીના કર્મચારીઓની જ કિસ્મત બદલી નાખી છે. શેરબજારમાં કંપનીના શાનદાર લિસ્ટિંગ બાદ સેરેબ્રાસના 1,000 કરતાં વધુ કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે, જેની ચર્ચા હાલ સમગ્ર ટેક અને ફાઇનાન્સ જગતમાં થઈ રહી છે.
કંપનીના CEO એન્ડ્ર્યુ ફેલ્ડમેને આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે IPO બાદ 1,000થી વધુ કર્મચારીઓ કરોડપતિ બન્યા છે. ફેલ્ડમેનના મતે, કંપનીની આ ઐતિહાસિક સફળતા પાછળ કર્મચારીઓની દિવસ-રાતની મહેનતનો સૌથી મોટો ફાળો છે, અને કંપનીના નેતૃત્વની એ નૈતિક જવાબદારી બને છે કે તેઓ પોતાના કર્મચારીઓને પણ આર્થિક રીતે સમૃદ્ધ અને મજબૂત બનાવે.
સેરેબ્રાસના મોટાભાગના કર્મચારીઓ પાસે કંપનીના શેર પહેલેથી જ ઉપલબ્ધ હતા. મે 2026માં કંપનીએ પોતાના IPOમાં પ્રતિ શેર 185 ડોલરની પ્રાઇસ નક્કી કરીને શેરબજારમાં એન્ટ્રી લીધી હતી, જેના દ્વારા અબજો ડોલરનું ભંડોળ એકત્ર થયું હતું. લિસ્ટિંગ બાદ શેરના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવતાં કંપનીનું કુલ વેલ્યુએશન અંદાજે 21.7 અબજ ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, જેનાથી કર્મચારીઓની સંપત્તિમાં અનેકગણો વધારો થયો છે.
કર્મચારીઓની આ અણધારી સફળતા પાછળ કંપનીની 2026ની એક ખાસ સ્ટોક પરચેઝ યોજના જવાબદાર છે. આ યોજના હેઠળ લાયક કર્મચારીઓ પોતાના પગારમાંથી નિશ્ચિત કપાત કરાવીને બજાર ભાવ કરતાં 15 ટકા સુધીના ડિસ્કાઉન્ટ દરે કંપનીના શેર ખરીદી શકતા હતા. જે કર્મચારીઓએ વિશ્વાસ રાખીને કંપનીના શેર ખરીદ્યા હતા, તેમાંથી 1,000થી વધુ કર્મચારીઓ આજે કરોડપતિ બનીને પોતાનું સપનું સાકાર કરી ચૂક્યા છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
