તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
AI ઈચ્છીત ચ્છિત પરિણામો આપવામાં નિષ્ફળ : ફોર્ડ કંપનીએ 350થી વધુ અનુભવી એન્જિનિયર્સને ફરી નોકરી પર બોલાવ્યા
વર્ષોનો અનુભવ ધરાવતા એન્જિનિયર્સની કુશળતા AI એકલા હાથે બદલી શકતું નથી:માત્ર ડિઝાઇનની જરૂરિયાતો જણાવવાથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો તૈયાર થઈ શકતા નથી

નવી દિલ્હી :વિશ્વભરમાં AIના વપરાશમાં વધારોથઈ રહ્યો છે અને કંપનીઓ એઆઈના આધારે વધારે કામ લેવા માંગી રહી છે તેવામાં અમેરિકાની જાણીતી કાર ઉત્પાદક કંપની ફોર્ડ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર વધુ પડતો આધાર રાખવાનો નિર્ણય અપેક્ષા મુજબ સફળ રહ્યો નથી. AI અને ઓટોમેટેડ ક્વોલિટી સિસ્ટમ્સ ઇચ્છિત પરિણામો આપવામાં નિષ્ફળ જતાં કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં 350થી વધુ અનુભવી એન્જિનિયર્સને ફરીથી નોકરી પર બોલાવ્યા છે. તેમાં કેટલાક એવા કર્મચારીઓ પણ સામેલ છે જેઓ અગાઉ કંપની છોડી ચૂક્યા હતા.
ફોર્ડના જણાવ્યા મુજબ અનુભવી એન્જિનિયર્સને પાછા જોડવાથી ઉત્પાદનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. એટલું જ નહીં, કંપનીને JD Power Initial Quality Surveyમાં મુખ્ય કાર બ્રાન્ડ્સમાં પ્રથમ સ્થાન પણ મળ્યું છે. કંપનીનું માનવું છે કે વર્ષોનો અનુભવ ધરાવતા એન્જિનિયર્સની કુશળતા AI એકલા હાથે બદલી શકતું નથી.
ફોર્ડના વ્હીકલ હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ પુએ જણાવ્યું કે કંપનીએ AIની ક્ષમતાનો વધુ પડતો અંદાજ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે AI એક ઉપયોગી સાધન છે પરંતુ તેને જેટલો ગુણવત્તાયુક્ત અને યોગ્ય ડેટા આપવામાં આવે તે એટલું જ સારું પરિણામ આપે છે. માત્ર ડિઝાઇનની જરૂરિયાતો જણાવવાથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો તૈયાર થઈ શકતા નથી.
કંપનીના જણાવ્યા પ્રમાણે અનુભવી એન્જિનિયર્સ કંપની છોડીને ગયા બાદ તેમના જ્ઞાન અને અનુભવને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવ્યો નહોતો. તેના કારણે AI સિસ્ટમ્સ વાસ્તવિક પરિસ્થિતિઓમાં ઊભી થતી સમસ્યાઓને પહેલેથી ઓળખવામાં નિષ્ફળ રહી હતી.
આ ખામી દૂર કરવા માટે કંપનીએ 350થી વધુ અનુભવી એન્જિનિયર્સને પાછા જોડ્યા છે. "ગ્રે બિયર્ડ" તરીકે ઓળખાતા આ નિષ્ણાતો યુવા એન્જિનિયર્સને માર્ગદર્શન આપે છે અને AI સિસ્ટમને વધુ અસરકારક રીતે ટ્રેન કરવામાં મદદ કરે છે.
ફોર્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર કુમાર ગલહોત્રાએ જણાવ્યું કે કંપની હવે માત્ર સમસ્યાઓ ઉકેલવા પર નહીં પરંતુ તે સર્જાય તે પહેલાં જ તેને અટકાવવા પર ધ્યાન આપી રહી છે. અનુભવી એન્જિનિયર્સ ક્વોલિટી રિવ્યૂમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને ઉત્પાદન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
ફોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કંપની AIનો ઉપયોગ બંધ કરી રહી નથી. તેના બદલે હવે અનુભવી એન્જિનિયર્સની મદદથી AIને વધુ ગુણવત્તાયુક્ત ડેટા અને તાલીમ આપવામાં આવી રહી છે. કંપનીએ વાહનોના સ્ટ્રેસ ટેસ્ટ માટેના સોફ્ટવેરમાં AIની મદદથી એક લાખથી વધુ વેલિડેશન ટેસ્ટ ઉમેર્યા છે, જેથી વાહન ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં જ સંભવિત ખામીઓ શોધી શકાય.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
