<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

સ્ટારબક્સમાં AI ફ્લોપ: ફક્ત ૯ મહિનામાં કંપનીએ આખી સિસ્ટમનું પડીકું વાળી દીધું: કર્મચારીઓ ત્રાસ્યા

નોમાડગો કંપનીનું જે AI ટૂલ કરોડોનો ખર્ચ બચાવવા માટે લવાયું હતું તે જ બરબાદીનું કારણ બન્યું : સ્ટોક ગણવામાં લોચા અને ખોટા ઓર્ડર આપવાની ખામીઓથી કંટાળીને આખરે ટેકનોલોજીને હંમેશા માટે કરાઈ નિવૃત્ત

નવી દિલ્હી: વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવાની ચાલી રહેલી આંધળી દોડ વચ્ચે દિગ્ગજ કોફી ચેઇન કંપની સ્ટારબક્સને મોટો સેટબેક લાગ્યો છે. કંપનીએ કરોડો રૂપિયાના ખર્ચે સપ્ટેમ્બર ૨૦store૫માં શરૂ કરેલું પોતાનું હાઈ-ટેક AI ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ટૂલ માત્ર ૯ મહિનાના ટૂંકા ગાળામાં જ સત્તાવાર રીતે બંધ કરી દેવાનો આકરો નિર્ણય લીધો છે. ફોર્ચ્યુનના અહેવાલ અનુસાર, કંપનીએ આ સિસ્ટમ તેના સ્ટોર્સમાં દૂધ, સીરપ અને અન્ય જરૂરી સામગ્રીના સ્ટોકની સચોટ ગણતરી કરવા અને કર્મચારીઓનો સમય બચાવવા માટે લાગુ કરી હતી, પરંતુ આ પ્રયોગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે.

નોમાડગો  કંપની દ્વારા વિકસિત કરવામાં આવેલી આ સિસ્ટમે કર્મચારીઓની મદદ કરવાને બદલે તેમની મુશ્કેલીઓમાં બમણો વધારો કરી દીધો હતો. રોઇટર્સના અહેવાલમાં ખુલાસો થયો છે કે આ એઆઈ ટૂલ વારંવાર ઉત્પાદનોને ખોટી રીતે ઓળખતું હતું અને છાજલીઓ પર પડેલી વસ્તુઓની ગણતરીમાં ગંભીર ભૂલો કરતું હતું. સ્ટારબક્સના શિફ્ટ સુપરવાઇઝર કાર્લ એડિસને જણાવ્યું કે, આ ટેકનોલોજીના કારણે વાસ્તવિક સ્ટોક અને ડિજિટલ રેકોર્ડ વચ્ચે મોટો તફાવત આવતો હતો, જેના લીધે આઉટલેટ્સને વણજોઈતો સામાન ઓર્ડર કરવો પડતો હતો અને સ્ટોરેજ એરિયાનું વારંવાર પુનર્ગઠન કરવાથી કર્મચારીઓ પર વધારાનો વર્કલોડ આવી ગયો હતો.

આ ઘટનાએ વૈશ્વિક બિઝનેસ જગતને એક મોટો પાઠ આપ્યો છે કે મહત્વના વ્યાપારી કાર્યો માટે AI હજુ પણ સંપૂર્ણપણે વિશ્વસનીય નથી. અગાઉ એન્થ્રોપિક કંપનીના એઆઈ વેન્ડિંગ મશીન પ્રયોગમાં પણ આવી જ ખામીઓ સામે આવી હતી, જ્યાં સિસ્ટમ મોંઘી વાઇન અને પ્લેસ્ટેશન ૫ જેવી વસ્તુઓ ગ્રાહકોને મફતમાં આપવા લાગી હતી. ટેકનિશિયનોનું માનવું છે કે માત્ર ટ્રેન્ડ જોઈને પૂરતા પરીક્ષણ વિના ઉતાવળે એઆઈ અપનાવવાથી કંપનીઓને મોટું આર્થિક નુકસાન અને બ્રાન્ડ વેલ્યુને કલંક લાગી શકે છે, માટે માનવ શ્રમનો કોઈ સચોટ વિકલ્પ હજુ સુધી ઉપલબ્ધ નથી.

(10:19 PM IST)