તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
હરિદ્વારમાં હર કી પૌડી ઘાટ પર મહિલાના ગંગા સ્નાનનો AIથી અશ્લીલ વીડિયો વાયરલ: ધાર્મિક સંગઠનો અને સાધુ-સંતોમાં ભારે રોષ!
આધુનિક ટેકનોલોજીના દુરૂપયોગથી સનાતન તીર્થધામની ગરિમા લજવાઈ: ગંગાસભાએ સાયબર ક્રાઈમ અને પોલીસ પ્રશાસન પાસે અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહીની કરી માંગ

હરિદ્વાર, તા.૧૬: ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ હરિદ્વારમાં 'હર કી પૌડી' ઘાટ ખાતે ગંગા સ્નાન કરી રહેલી એક યુવતીનો વાંધાજનક અને અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આજના આધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) યુગમાં સોશિયલ મીડિયા પર લોકોની અંગત જિંદગી અને પવિત્ર સ્થળો સાથે છેડછાડ કરવાનો આ ગંભીર કિસ્સો સામે આવતાં જ સ્થાનિક લોકો, સંત સમાજ અને ધાર્મિક સંગઠનોમાં આક્રોશની લાગણી ફરી વળી છે.
ગંગાસભાનો સખત વિરોધ અને પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ
'હર કી પૌડી' ઘાટની વ્યવસ્થા અને સંચાલન સંભાળતી પ્રમુખ સંસ્થા 'શ્રી ગંગાસભા' એ આ ઘટનાને સનાતન ધર્મ અને પવિત્ર ગંગા ઘાટની મર્યાદા પર સીધો પ્રહાર ગણાવ્યો છે. ગંગા સભાના પદાધિકારીઓએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, પવિત્ર તીર્થક્ષેત્રમાં અશ્લીલતા ફેલાવવા કે રીલ બનાવવા જેવી મર્યાદાહીન પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે પોલીસ પ્રશાસન પાસે માંગ કરી છે કે દોષિતો સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિમાકત ન કરે.
પીડિત મહિલાનો દાવો: AI દ્વારા વીડિયો સાથે કરાઈ છેડછાડ
બીજી તરફ, આ વિવાદ વચ્ચે એક મહિલાએ સામે આવીને દાવો કર્યો છે કે વાયરલ થયેલો મૂળ વીડિયો તેનો પોતાનો છે, પરંતુ અસામાજિક તત્વો દ્વારા એઆઈ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની સાથે ગંભીર છેડછાડ કરવામાં આવી છે. પીડિત મહિલાએ આ અંગે હરિયાણા ક્રાઈમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે, જોકે હરિયાણા પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સાધુ-સંતોમાં ભારે આક્રોશ, ઘાટ પર શૂટિંગ પર પ્રતિબંધની માંગ
જાહેર સ્થળે અશ્લીલતા ફેલાવવા અને ધાર્મિક ભાવોનાઓને ઠેસ પહોંચાડવાની આ ઘટનાથી સનાતન ધર્મના સાધુ-સંતોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સાધુ-સંતો અને સ્થાનિક નાગરિકોએ એકસૂરે માંગ કરી છે કે તીર્થક્ષેત્રોની પવિત્રતા જાળવવા માટે ગંગા ઘાટો પર મોબાઈલ ફોનથી શૂટિંગ કે વીડિયોગ્રાફી કરવા અંગે ચોક્કસ નિયમો અને કડક પ્રતિબંધો તાત્કાલિક અસરથી અમલી બનાવવામાં આવે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
