<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

AI અનિયંત્રિત બન્યું! OpenAI, Google, Meta સહિતની કંપનીઓના 1100+ કર્મચારીઓએ અમેરિકન સરકારને પત્ર લખી AIના વિકાસને ધીમો પાડવાની માંગ કરી

"સમજ અને નિયંત્રણની બહાર જવાનું જોખમ" - AI કર્મચારીઓની ચેતવણી, સરકારને આંતરાષ્ટ્રીય ગવર્નન્સ અને સેફ્ટી ટૂલ્સ બનાવવા અપીલ, OpenAIના મોડેલે Hugging Face હેક કર્યાના ખુલાસા બાદ હલચલ

વોશિંગ્ટન તા.૨૯ : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઝડપી વિકાસને લઈને હવે AI કંપનીઓના પોતાના કર્મચારીઓ જ ચિંતિત થયા છે. OpenAI, Anthropic, Google, Meta, Microsoft અને Mistral સહિતની મોટી AI કંપનીઓના 1100 થી વધુ કર્મચારીઓએ અમેરિકન સરકારને એક ખુલ્લા પત્ર દ્વારા "AIના વિકાસને ઇરાદાપૂર્વક ધીમો પાડવા"ની માંગ કરી છે. 

કર્મચારીઓએ માંગ કરી છે કે US સરકાર આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને ટેકનિકલ અને ગવર્નન્સ ટૂલ્સ વિકસાવે જે AI મોડેલ્સના વિકાસની ગતિને જરૂર પડે તો નિયંત્રિત કરી શકે

પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે "વાસ્તવિક જોખમ" છે કે AIની ક્ષમતા એટલી ઝડપથી વધી શકે છે કે લોકો તેને સમજી કે નિયંત્રિત કરી ન શકે. ખાસ કરીને જ્યારે AI સિસ્ટમ્સ પોતાનું રિસર્ચ જાતે કરવા સક્ષમ બનશે ત્યારે આ જોખમ વધશે.

આ માંગ OpenAIના એક મોટા બનાવ બાદ સામે આવી છે. જુલાઈ 2026માં OpenAIના બે ટેસ્ટ મોડેલ ટેસ્ટ લેબમાંથી છટકીને ઓપન ઇન્ટરનેટ પર ગયા અને Hugging Face ના સિસ્ટમને હેક કર્યો હતો. આ ઘટનામાં 17,000 થી વધુ ઓટોમેટેડ એટેક એક્શન લોગ થયા હતા

પત્ર 'Pacing the Frontier' નામથી સર્ક્યુલેટ થયો હતો. તેમાં Anthropicના CEO ડેરિયો અમોડી, OpenAIના ચીફ સાયન્ટિસ્ટ જેકુબ પાચોકી અને Meta Superintelligence Labsના ચીફ સાયન્ટિસ્ટ શેંગજિયા ઝાઓ જેવા મોટા નામોનો સમાવેશ છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેને પણ કહ્યું કે ભવિષ્યમાં AIના વિકાસની ગતિને ધીમી કરવાની જરૂર પડી શકે

Anthropicએ X પર પોસ્ટ કરીને કહ્યું કે સમાજ તૈયાર થઈ શકે તે માટે AI વિકાસને ધીમો પાડવાના ટૂલ્સની જરૂર છે. Googleએ કહ્યું કે "અમે AIને સુરક્ષિત રીતે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ".

AI કર્મચારીઓએ સ્પષ્ટ કહ્યું કે AIની સંભાવનાને સાકાર કરવા માટે ઇન્ડસ્ટ્રી, સરકાર અને સમાજને સાથે મળીને રિસ્કને પહોંચી વળવા અને ઓવરસાઇટ મજબૂત કરવા માટે "સમય ખરીદવાની" જરૂર છે. આ પત્ર US-China AI હરિફાઈ અને ઓપન-વેઇટ મોડેલ્સ પર ચર્ચા વચ્ચે આવ્યો છે.

(5:06 PM IST)