તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સરકારી તિજોરી લૂંટનારા શાતિર પોલીસવાળાઓ પર ત્રાટક્યું 'AI': છત્તીસગઢમાં પગાર કૌભાંડ આચરી કરોડોની ઉચાપત કરનારા ૩ કોન્સ્ટેબલોની ધરપકડ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સ્માર્ટ ઓડિટે પકડ્યો ૩ વર્ષથી ચાલતો ખેલ; સરકારી સોફ્ટવેરમાં છેડછાડ કરી પોતાના જ ખાતામાં જમા કરાવતા હતા લાખો રૂપિયા

જગદલપુર, તા.૦૧: ટેકનોલોજીના આ યુગમાં હવે ગુનેગારો ગમે તેટલા શાતિર હોય, તેઓ કાયદાની નજરમાંથી બચી શકતા નથી. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં એક એવો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં કોઈ માણસે નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની ચોરી પકડી પાડી છે. પોલીસ વિભાગના આંતરિક ઓડિટમાં AI ની મદદથી આશરે ૨ કરોડ રૂપિયાના હાઇટેક પગાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે વિભાગના જ ત્રણ કોન્સ્ટેબલોની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
સોફ્ટવેરમાં ઘુસીને પોતાના જ પગાર વધારી દેતા!
બસ્તરના પોલીસ અધિક્ષક શલભ કુમાર સિંહાએ જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓની ઓળખ કોન્સ્ટેબલ ગિરીશ રાય, રાજકુમાર કટલામ અને હેમંત મેથ્યુ તરીકે થઈ છે. મુખ્ય સૂત્રધાર ગિરીશ રાય જગદલપુર એસપી ઓફિસની પગાર શાખામાં આસિસ્ટન્ટ તરીકે તૈનાત હતો. તે કર્મચારીઓનો પગાર ફાઈનલ થાય તે પહેલાં ગુપ્ત રીતે સોફ્ટ કોપીના ડેટામાં છેડછાડ કરતો હતો. આ ભેજાબાજે પોતાના અને અન્ય બે સાથીદારોના પગારમાં ખોટી રીતે મોટો વધારો કરી દીધો હતો. ઓક્ટોબર ૨૦૨૩ થી મે ૨૦ Granny૨૬ દરમિયાન આ ટોળકીએ સરકારી ખાતામાંથી અંદાજે ₹૧.૫ કરોડથી ₹૨ કરોડ જેટલી રકમ ગેરકાયદેસર રીતે ઉપાડી લીધી હતી.
લોન આપવાના બહાને અન્ય કર્મચારીઓને પણ ફસાવ્યા
તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, માસ્ટરમાઇન્ડ ગિરીશ રાયે માત્ર પોતાના જ નહીં, પરંતુ વિભાગના અન્ય કેટલાક કર્મચારીઓને લોન અપાવવાના બહાને તેમના પગારમાં પણ વધારો કરી આપ્યો હતો. બાદમાં તે લોનના હપ્તાની વસૂલાતના નામે તેમની પાસેથી રોકડા રૂપિયા પડાવી લેતો હતો. પોલીસ હાલ આ કૌભાંડમાં સામેલ અન્ય કર્મચારીઓની પણ સઘન પૂછપરછ કરી રહી છે.
છેવટે 'AI' એ કેવી રીતે પકડ્યો આ આખો ખેલ?
વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ વિભાગમાં દર મહિને કર્મચારીઓની બદલી અને નવી પોસ્ટિંગ થતી હોવાથી પગારના કુલ બજેટમાં વધ-ઘટ થવી સામાન્ય બાબત છે. આરોપીઓ દર મહિને પગારમાં નાની-નાની રકમો વધારીને ટ્રાન્સફર કરતા હોવાથી લાંબા સમય સુધી કોઈને શંકા ગઈ નહોતી. પરંતુ, આ વખતે જ્યારે ઓડિટ પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે AI એ પગાર ખર્ચના ડેટામાં એક અસામાન્ય પેટર્ન અને શંકાસ્પદ વધારો પકડી પાડ્યો. AI એ તુરંત રેડ ફ્લેગ (ચેતવણી) આપતાં જ્યારે તપાસકર્તાઓએ કમ્પ્યુટર રેકોર્ડ્સની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે ત્રણ વર્ષથી ચાલી રહેલા આ મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. હાલ ત્રણેય આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
