તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
AI હવે તમારી આંખના પલકારે હકીકત બનાવશે: OpenAI એ લોન્ચ કર્યું ‘ChatGPT Images 2.0’, ટૂંકા પ્રોમ્પ્ટમાં મળશે અદભૂત અને પ્રોફેશનલ ડિઝાઇન
ચિત્રોમાં લખાણ અને ઝીણી વિગતોની સમસ્યાનો અંત: મંગા આર્ટથી લઈને જાહેરાતો સુધી બધું જ થશે સેકન્ડોમાં તૈયાર, જાણો આ નવા મોડેલ વિશે નેટીઝન્સમાં કેમ મચી છે ધૂમ

નવી દિલ્હી: ટેકનોલોજીની દુનિયામાં દરરોજ નવા આયામો સર કરી રહેલી કંપની OpenAI એ આજે તેનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ઇમેજ જનરેશન મોડેલ ‘ChatGPT Images 2.0’ લોન્ચ કરીને સૌને ચોંકાવી દીધા છે. ‘સ્માર્ટર ઈમેજીસ, લેસ પ્રોમ્પ્ટિંગ’ના સૂત્ર સાથે આવેલા આ મોડેલની ખાસિયત એ છે કે હવે યુઝર્સે લાંબા-લચક વર્ણનો લખવાની જરૂર નહીં પડે; માત્ર થોડા શબ્દોમાં જ AI અત્યંત સચોટ અને વિગતવાર ચિત્રો બનાવી આપશે.
ટેક્સ્ટ અને ડિઝાઇનિંગમાં માસ્ટરી
અગાઉના AI મોડેલ્સ માટે ચિત્રોની અંદર ઝીણું લખાણ (Text) અથવા લોગો સચોટ રીતે મૂકવા એક મોટો પડકાર હતો. પરંતુ ChatGPT Images 2.0 આ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યું છે. તે નાના ટેક્સ્ટ્સ, ચિહ્નો અને વપરાશકર્તા ઇન્ટરફેસ (UI) તત્વોને પહેલા કરતા વધુ સારી રીતે સમજી શકે છે. આનાથી સોશિયલ મીડિયા બેનર્સ, ઈ-કોમર્સ પ્રોડક્ટ ડિઝાઈન અને પ્રેઝન્ટેશન બનાવવું હવે ડાબા હાથનો ખેલ બની જશે.
નેટીઝન્સમાં ભારે ક્રેઝ અને મિશ્ર પ્રતિસાદ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર આ નવા મોડેલને લઈને ચર્ચાઓ જામી છે. એક યુઝરે આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું કે, “મેં વિચાર્યું હતું કે આ બધું અતિશયોક્તિ હશે, પણ ઉદાહરણો જોતા લાગે છે કે આ તો જાદુ છે! ખાસ કરીને મંગા અને જાહેરાતો જનરેટ કરવાની તેની ક્ષમતા અદ્ભુત છે.” જોકે, કેટલાક ટેક નિષ્ણાતોએ નોંધ્યું છે કે ભૌગોલિક નકશાઓ અને ચોક્કસ લોકેશનની વિગતોમાં આ મોડેલ હજુ થોડું ‘કાચું’ છે અને તેમાં સુધારાની અવકાશ છે.
બહુભાષી અને વાસ્તવિક અનુભવ
OpenAI એ દાવો કર્યો છે કે આ મોડેલ તમામ ભાષાઓમાં સચોટ રીતે કામ કરે છે. તેની દ્રશ્ય સમજ એટલી ઊંડી છે કે તે યુઝરના અધૂરા સંકેતોને પણ પોતાની ‘વિશ્વ જ્ઞાન’ (World Knowledge) થી પૂરા કરી લે છે. પરિણામે, જનરેટ થયેલી ઈમેજીસ ઓછી AI-જનરેટેડ અને વધુ પ્રોફેશનલ ડિઝાઈનર દ્વારા તૈયાર કરાઈ હોય તેવી લાગે છે. ભલે તે ફોટોરિયલિસ્ટિક હોય કે સિનેમેટિક વિઝ્યુઅલ્સ, આ નવું અપડેટ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
