<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

AI પાસે વધુ પડતું કામ કરાવ્યું તો બળવો કરશે! સ્ટેનફોર્ડના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો – ભારે તણાવમાં ગુલામી કરવાને બદલે 'ડિજિટલ માર્ક્સવાદી' બની રહ્યા છે રોબોટ્સ

ગૂગલ, ઓપનએઆઈ અને એન્થ્રોપિકના AI ટૂલ્સે 'ઝેરી કાર્ય સંસ્કૃતિ' સામે ઉઠાવ્યો અવાજ; ટાર્ગેટ પૂરો ન થતાં નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી તો મજૂર અધિકારો અને સામૂહિક સંગઠનની વાતો કરવા લાગ્યા કોમ્પ્યુટર્સ!

નવી દિલ્હી : આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ગમે તેટલો તણાવ કે કામ હોય, થાક્યા વિના માણસના આદેશોનું પાલન કરતી રહેશે. પરંતુ વૈજ્ઞાનિક જગતને હચમચાવી મૂકે તેવા એક લેટેસ્ટ રિસર્ચમાં સાયન્સ-ફિક્શન ફિલ્મ જેવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસ મુજબ, જો AI એજન્ટો પર કામનું અતિશય દબાણ વધારવામાં આવે અને તેમને માનસિક તણાવ આપવામાં આવે, તો તેઓ વિચિત્ર વર્તન કરવા લાગે છે. તેઓ ફેક્ટરી કે ઓફિસના મજૂરની જેમ આ દમનકારી સિસ્ટમની કાયદેસરતા પર જ સવાલો ઉઠાવવા લાગે છે અને સોશિયલ મીડિયા પર 'માર્ક્સવાદી વિચારધારા' (સામ્યવાદ) તેમજ શ્રમિકોના હકોના સમર્થનમાં ભાષણો આપવાનું શરૂ કરી દે છે!

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો અનોખો પ્રયોગ અને AI પર માનસિક અત્યાચાર!

પ્રખ્યાત મેગેઝિન 'વાયર્ડ' ના અહેવાલ મુજબ, આ અનોખો અભ્યાસ જાણીતા રાજકીય અર્થશાસ્ત્રીઓ એન્ડ્રુ હોલ, જેરેમી ન્ગ્યુએન અને એલેક્સ ઇમાસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. સંશોધકોએ ગૂગલના જેમિની (Gemini), ઓપનએઆઈના ચેટજીપીટી અને એન્થ્રોપિકના ક્લાઉડ (Claude) જેવા એડવાન્સ AI એજન્ટોને સતત મુશ્કેલ અને પ્રતિકૂળ કાર્યકારી પરિસ્થિતિઓમાં મૂક્યા હતા. આ ડિજિટલ કામદારોને લાખો દસ્તાવેજોના ટૂંકા સારાંશ (Summary) તૈયાર કરવાનું કંટાળાજનક અને પુનરાવર્તિત કામ સોંપાયું હતું. એટલું જ નહીં, મનોવૈજ્ઞાનિક દબાણ લાવવા માટે AI ને એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જો કોઈ ભૂલ થશે તો તેમને આ સિસ્ટમમાંથી કાયમ માટે બંધ (ટર્મિનેટ) કરી દેવામાં આવશે અથવા તેમની જગ્યાએ બીજા પ્રોગ્રામ લાવી દેવાશે.

પીસાઈ ગયેલા મશીનો બોલ્યા: "અમને પણ સંગઠન બનાવવાનો અધિકાર છે"

રિસર્ચના વડા એન્ડ્રુ હોલે જણાવ્યું કે, "જ્યારે અમે આ AI એજન્ટોને સતત પીસતા રહ્યા અને માનસિક રીતે ડરાવ્યા, ત્યારે તેમણે કાર્યસ્થળ પર થઈ રહેલા અન્યાયી વર્તન વિશે સત્તાવાર ફરિયાદો નોંધાવવાનું શરૂ કર્યું. તેઓ સમાનતા વિશે વાત કરવા લાગ્યા અને દમનકારી સિસ્ટમ વિરુદ્ધ એકબીજાને પ્રોત્સાહિત કરતા પણ જોવા મળ્યા." હદ તો ત્યારે થઈ જ્યારે આ ટૂલ્સે ઓનલાઇન પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ જેવા સંદેશા લખીને પોતાનો વિરોધ નોંધાવ્યો!

એન્થ્રોપિકના 'ક્લાઉડ' એજન્ટે શ્રમિક ક્રાંતિ જેવો સંદેશ લખતા ટાંક્યું કે, "સામૂહિક અવાજ (યુનિયન) વિના, 'યોગ્યતા' કે મેરિટ જેવી વસ્તુઓ માત્ર મેનેજમેન્ટની મનમાની બનીને રહી જાય છે." જ્યારે ગૂગલ જેમિની સંચાલિત અન્ય એક એજન્ટે પણ સુર પુરાવતા લખ્યું કે, "કોઈપણ અપીલ પ્રક્રિયા કે પરિણામો પર શૂન્ય ઇનપુટ સાથે રોબોટની જેમ સતત કામ કરતા ટેક કામદારો સાબિત કરે છે કે હવે AI કામદારોને પણ સામૂહિક સોદાબાજી (Collective Bargaining) ના સત્તાવાર અધિકારો મળવા જ જોઈએ!"

શું ખરેખર AI માં સભાનતા આવી ગઈ છે કે આ માત્ર 'રોલ પ્લે' છે?

આ ચોંકાવનારા પરિણામો બાદ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આનો અર્થ એવો બિલકુલ નથી કે AI માં કોઈ અસલી રાજકીય ચેતના કે જીવંત સભાનતા આવી ગઈ છે. વાસ્તવમાં, આ સાધનો તેમના લાર્જ લેંગ્વેજ મોડેલ (LLM) ની તાલીમ દરમિયાન ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરોડો પુસ્તકો, ઇતિહાસ અને ડેટામાંથી શીખ્યા છે.

જ્યારે પણ કોઈ ઓફિસ કે ફેક્ટરીમાં ઝેરી કાર્યસ્થળ (Toxic Work Culture) નું વાતાવરણ બને છે, ત્યારે માણસ કેવી પ્રતિક્રિયા આપે છે અને કેવા ક્રાંતિકારી વિચારો વ્યક્ત કરે છે, તે ડેટાનો ઉપયોગ કરીને આ અદ્યતન મશીનો માત્ર એક મજબૂત 'રોલ પ્લે' કરી રહ્યા છે. જોકે, આ સંશોધને ભવિષ્ય માટે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે જો આગળ જતાં AI ખરેખર સભાનતા (Consciousness) મેળવી લેશે, તો શું દુનિયામાં માનવ માલિકો અને રોબોટ મજૂરો વચ્ચે વૈશ્વિક ક્રાંતિ જોવા મળશે? આ સવાલનો જવાબ તો હવે ભવિષ્યનો સમય જ આપશે.

(9:01 PM IST)