તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ટેક જગતમાં AIનો કહેર: મેટા અને માઈક્રોસોફ્ટમાં ૨૩,૦૦૦ કર્મચારીઓની છટણીના એંધાણ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાછળ આંધળું રોકાણ કરવા ટેક જાયન્ટ્સ મેટા અને માઈક્રોસોફ્ટે મધ્યમ વર્ગના કર્મચારીઓ પર ચલાવી કાતર: મેટામાં ૨૦ મેથી ૮,૦૦૦ની વિદાય તો માઈક્રોસોફ્ટે ૮,૭૫૦ લોકોને પકડાવ્યું સ્વૈચ્છિક નિવૃત્તિનું ફોર્મ અને હવે માત્ર ડિગ્રી નહીં પણ સ્કીલ ધરાવનારા જ આઈટી ક્ષેત્રે ટકી શકશે તેવી નિષ્ણાતોની ચેતવણી

નવી દિલ્હી: વૈશ્વિક ટેક માર્કેટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા વર્ચસ્વે હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ ઊભું કર્યું છે. વિશ્વની ટોચની કંપનીઓ મેટા અને માઈક્રોસોફ્ટે તેમના ખર્ચમાં ધરખમ કાપ મૂકવા અને AI ટેકનોલોજીમાં રોકાણ વધારવા માટે આશરે ૨૩,૦૦૦ જેટલા કર્મચારીઓને ઘરભેગા કરવાનો મસમોટો પ્લાન તૈયાર કર્યો છે. મેટાના માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ કર્યું છે કે કંપનીને વધુ કાર્યક્ષમ અને 'સ્માર્ટ' બનાવવા માટે ૨૦ મેથી છટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેમાં કુલ સ્ટાફના ૧૦ ટકા એટલે કે અંદાજે ૮,૦૦૦ કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવશે. આ ઉપરાંત, કંપનીએ ભવિષ્યમાં નવી ૬,૦૦૦ ભરતીઓ પર પણ હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે, જે આઈટી સેક્ટરમાં કામ કરતા લાખો પ્રોફેશનલ્સ માટે ચિંતાનો વિષય બન્યો છે.
બીજી તરફ, માઈક્રોસોફ્ટે સીધી છટણીને બદલે 'સ્વૈચ્છિક નિવૃત્તિ'નો નવો પેંતરો અજમાવ્યો છે. અમેરિકામાં કાર્યરત તેના ૭ ટકા સ્ટાફ એટલે કે આશરે ૮,૭૫૦ કર્મચારીઓને આ ઓફર આપવામાં આવી છે. માઈક્રોસોફ્ટ હવે સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા પરંપરાગત ક્ષેત્રોમાંથી નાણાં ખેંચીને અત્યાધુનિક ડેટા સેન્ટરો અને AI ટૂલ્સ વિકસાવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ બદલાતા પ્રવાહની અસર માત્ર ટેક કંપનીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ કન્સલ્ટિંગ જાયન્ટ KPMG એ પણ તેના ઓડિટ ભાગીદારોની સંખ્યામાં ૧૦ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કોર્પોરેટ જગતમાં હવે એવી માન્યતા દ્રઢ થઈ રહી છે કે AIની મદદથી ઓછા માનવબળ દ્વારા વધુ આઉટપુટ મેળવી શકાય છે, પરિણામે માનવ સંસાધનોના ભોગે મશીનીકરણને વેગ મળી રહ્યો છે.
આ આર્થિક ઉથલપાથલ આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું જોતા યુવાનો માટે એક લાલબત્તી સમાન છે. હવે માત્ર કોલેજની ડિગ્રી મેળવી લેવાથી નોકરીની ગેરંટી નથી રહી, પરંતુ નવી ટેકનોલોજી અને AI ટૂલ્સ સાથે સતત અપડેટ રહેવું અનિવાર્ય બન્યું છે. નિષ્ણાતો માને છે કે જે કર્મચારીઓ પોતાની જાતને બદલાતા સમય સાથે નહીં બદલે તેઓ આગામી સમયમાં બેરોજગાર બની શકે છે. આ વૈશ્વિક છટણીના મોજાને કારણે ભારતીય આઈટી એન્જિનિયરોમાં પણ ફફડાટ ફેલાયો છે, કારણ કે ભારત આ બંને કંપનીઓ માટે મોટું ટેલેન્ટ હબ રહ્યું છે. ટેક કંપનીઓના આ કઠોર નિર્ણયોથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં ટેકનોલોજીમાં રોકાણ વધશે પણ નોકરીઓની પદ્ધતિ અને સંખ્યામાં ધરખમ ફેરફારો આવશે.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
