<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

'લાડકી બહિન યોજના' માંથી રદ્દ થયેલી મહિલાઓ માટે એઆઈડીડબલ્યુએ (AIDWA) નું રાજ્યવ્યાપી આક્રમક અભિયાન શરૂ: ૧ કરોડથી વધુ મહિલાઓને બહાર ખસેડાતા મહિલાઓમાં ભારે રોષ

સરકારની ચકાસણી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવીને પાત્ર મહિલાઓને ફરી લાભ અપાવવા માટે પાલઘરથી ફૂંકાયું રણશિંગું: માંગણી નહીં સંતોષાય તો મંત્રાલય સુધી મોરચો કાઢવાની ચીમકી

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની લોકપ્રિય 'મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજના' અંતર્ગત આર્થિક સહાય મેળવતી લાખો મહિલાઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યોજનાની તાજેતરની ચકાસણી અને ખરાઈ પ્રક્રિયા બાદ અંદાજે એક કરોડ જેટલી મહિલાઓને લાભાર્થીઓની યાદીમાંથી બહાર કરવામાં આવી છે, જેને લઈને રાજ્યભરમાં અસંતોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ વંચિત મહિલાઓને ફરીથી યોજનાનો લાભ અપાવવા માટે 'ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમન્સ એસોસિએશન' (AIDWA) દ્વારા એક વિશાળ અને રાજ્યવ્યાપી આંદોલનનું રણશિંગું ફૂંકી દેવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ગત ૨૦ સપ્ટેમ્બરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહિલા સંમેલનો યોજીને ફોર્મ ભરાવવાની અને ફરિયાદો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

 

આ અભિયાનના પ્રથમ ચરણમાં પાલઘર જિલ્લાના દહાણુ તાલુકામાં ભવ્ય મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ૩,૦00 કરતાં વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાના હક માટે અવાજ બુલંદ કર્યો હતો. એસોસિએશનના જણાવ્યા મુજબ, પાલઘર જિલ્લાના અન્ય તાલુકાઓમાં આગામી ૨૭ સપ્ટેમ્બર સુધી આવા જનજાગૃતિ સંમેલનો યોજાશે અને ત્યારબાદ સમગ્ર મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આ અભિયાનનો વ્યાપ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલી આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને ₹૧,૫૦0 ની નાણાકીય સહાય આપવામાં આવે છે. શરૂઆતમાં આ યોજનાનો લાભ અંદાજે ૨.૬૩ કરોડ મહિલાઓને મળતો હતો, પરંતુ જુલાઈ ૨૦૨૬માં ચકાસણી બાદ આ આંકડો ઘટીને ૧.૬૬ કરોડ મહિલાઓ પર આવી ગયો છે.

 

સરકારના તર્કો સામે મહિલા સંઘર્ષની તૈયારી

 

બીજી બાજુ, સરકારી તંત્રનું એવું કહેવું છે કે ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ ન કરનાર, નિર્ધારિત આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવનાર, અન્ય સરકારી યોજનાઓનો લાભ લેનાર અથવા વયમર્યાદાના નિયમોમાં ન બેસનાર અયોગ્ય નામોને જ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે અને કોઈ પણ સાચી પાત્ર મહિલાને યોજનાથી વંચિત રાખવામાં આવી નથી. તેમ છતાં, એઆઈડીડબલ્યુએ (AIDWA) એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાત્ર મહિલાઓની અરજીઓ સ્વીકારીને તેમને ફરીથી યોજનામાં સામેલ નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં હજારો મહિલાઓને સાથે રાખીને મુંબઈમાં મંત્રાલય સુધી એક મોટો સંઘર્ષ મોરચો કાઢવામાં આવશે.

(8:53 PM IST)