તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
સોમનાથના આકાશમાં વાયુસેનાની ગર્જના : 'સૂર્યકિરણ એર શો'માં ૬ ફાઈટર જેટ રચશે ત્રિરંગો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રચાશે નવો ઈતિહાસ
૧૧ મેએ સવારે ૧૧ કલાકે ૯૦૦ કિમીની ઝડપે હૉક-એમ.કે-૧૩૨ વિમાનો દિલધડક કરતબો બતાવશે : ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં જામનગરથી ઓપરેટ થતા જેટ્સ દ્વારા ડાયમંડ ફોર્મેશન અને કલર સ્મોકનું ભવ્ય નિદર્શન યોજાશે

પ્રભાસ પાટણ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉજવાઈ રહેલા "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬" અંતર્ગત આગામી ૧૧મી મેના રોજ ભારતીય વાયુસેના દ્વારા ઐતિહાસિક એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર વાયુસેનાની વિશ્વવિખ્યાત 'સૂર્યકિરણ એરોબિક્સ ટીમ' દ્વારા દરિયાકાંઠે અને મંદિરના આકાશમાં દિલધડક હવાઈ કરતબો બતાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ એર શો માટે સમગ્ર પ્રભાસક્ષેત્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હૉક ફાઈટર જેટ્સ દ્વારા રોમાંચક ફોર્મેશન્સ
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર જનમીત શર્માએ વિગતો આપતા જણાવ્યું કે, આ એર શોમાં હૉક-એમ.કે - ૧૩૨ શ્રેણીના કુલ છ ફાઈટર જેટ સામેલ થશે. હવામાં ૮૦૦ થી ૯૦૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ઉડતા આ વિમાનો દ્વારા 'ટ્રાઈકલર સ્મોક ટ્રેઈલ', 'લૂપ્સ એન્ડ રોલ્સ', 'ક્લૉઝ ફોર્મેશન' અને 'ડાયમંડ ફોર્મેશન' જેવા જોખમી કરતબો રજૂ કરવામાં આવશે. ૧૧મી મેના મુખ્ય કાર્યક્રમ પૂર્વે ૧૦મી મેના રોજ સવારે ૧૧ કલાકે ફાઈનલ રિહર્સલ યોજાશે. આ તમામ વિમાનો જામનગર એરફોર્સ સ્ટેશનથી ઓપરેટ કરવામાં આવશે.
જમીન અને આકાશ વચ્ચે સચોટ સંકલન
ટીમના કમેન્ટેટર ફ્લાઇટ લેફ્ટનન્ટ કુમારી કંવલ સંધુના જણાવ્યા અનુસાર, ગ્રુપ કેપ્ટન અજય દશરથીના માર્ગદર્શન હેઠળ આ આખી કવાયત પાર પાડવામાં આવશે. જેટના પાયલટોને જરૂરી સૂચનાઓ આપવા માટે સ્ક્વોડ્રન લીડર અમન ગોયલ જમીન પર રહીને રેડિયો કમ્યુનિકેશન દ્વારા હવાની ગતિ અને પ્લેન વચ્ચેના સુરક્ષિત અંતરનું સતત મોનિટરિંગ કરશે. આ એર શો દ્વારા ભારતીય વાયુસેનાની તાકાત અને શિસ્તનું પ્રદર્શન કરવામાં આવશે, જે યુદ્ધ કે આકસ્મિક સંજોગોમાં દુર્ગમ પ્રદેશોમાં પાયલટોની કુશળતા દર્શાવે છે.
પક્ષીઓથી સુરક્ષા માટે ખાસ તકેદારી
એર શો દરમિયાન પક્ષીઓ વિમાન સાથે ન અથડાય તે માટે 'બર્ડ હેઝાર્ડ કંટ્રોલ' (BHC) ટીમ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક તંત્રના સહયોગથી નાગરિકોને બે દિવસ સુધી વધેલો ખોરાક ખુલ્લામાં ન ફેંકવા સમજાવવામાં આવ્યા છે જેથી પક્ષીઓ એકઠા ન થાય. આ ઉપરાંત, સૂર્યકિરણની ટીમ ખાસ પ્રકારના ફટાકડાથી સજ્જ રહેશે, જેનો અવાજ પક્ષીઓને નુકસાન પહોંચાડ્યા વિના તેમને દૂર રાખશે. આ રોમાંચક શોમાં આકાશમાં એરસ્મોક દ્વારા ‘ત્રિરંગા’ની પ્રતિકૃતિ રચીને ભારતની શાન અને સાર્વભૌમત્વનો સંદેશ ગુંજતો કરવામાં આવશે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
