તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ન્યૂડ ફોટાના બદલામાં પાકિસ્તાની એજન્ટને આર્મીના ગુપ્ત દસ્તાવેજો વેચનાર એરફોર્સના વિંગ કમાન્ડર સામે ચાર્જશીટ દાખલ
વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સૈન્ય માહિતી અને યુદ્ધ યોજનાઓ લીક કરવાના ગંભીર કેસમાં દિલ્હી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા પુરાવા.

નવી દિલ્હી : ભારતીય વાયુ સેનાના એક વિંગ કમાન્ડર દ્વારા સોશિયલ મીડિયા પર મળેલા અશ્લીલ ફોટા અને ન્યૂડ તસવીરોના બદલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્ટને દેશની સુરક્ષા સાથે જોડાયેલા અત્યંત ખાનગી અને ગુપ્ત દસ્તાવેજો વેચી દેવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં દિલ્હી પોલીસે કોર્ટમાં સત્તાવાર રીતે ચાર્જશીટ દાખલ કરી છે.
પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, આ કેસમાં પકડાયેલા આરોપી અધિકારીએ ગત ૧૨ જાન્યુઆરીથી ૧ એપ્રિલ દરમિયાન વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં રહીને ડ્રોન યુનિટની ક્ષમતા, સૈન્યની તૈનાતી, ફ્રન્ટલાઈન ફાઇટર જેટની હિલચાલ અને યુદ્ધની વ્યુહરચનાના ગુપ્ત દસ્તાવેજો શેર કર્યા હતા.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે જ્યારે આરોપી અધિકારી પોતાનો સ્માર્ટફોન ઓફિસમાં લાવ્યા ત્યારે સુરક્ષા કર્મચારીઓએ શંકાના આધારે તપાસ કરતાં પાકિસ્તાની એજન્ટ પાસેથી નગ્ન તસવીરો મેળવ્યા બાદ યુદ્ધ યોજનાના દસ્તાવેજો અપલોડ કર્યા હોવાનું અને દરેક તસવીર બદલ વધુ પાના આપવાની તૈયારી દર્શાવી હોવાનું બહાર આવ્યું હતું.
ચાર્જશીટમાં જણાવ્યા મુજબ, શંકાસ્પદ એજન્ટે મોકલેલી માલવેર એપ્લિકેશન દ્વારા અધિકારીના ફોનની તમામ સંવેદનશીલ વિગતો અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની વાતચીતની માહિતી લીક થઈ હતી, જેમાં લેહમાં ફાઇટર જેટની તૈનાતી અને રાજસ્થાનના સુરતગઢ ખાતે યોજાયેલી સૈન્ય કવાયતોનો પણ સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા દાખલ કરાયેલા દસ્તાવેજોમાં બંને વચ્ચે થયેલા ૩,૦૦૮ ટેક્સ્ટ મેસેજ, ૬૫ ફોટા, ૪૨ વોઇસ કલ અને ૪ વીડિયો કલની આપ-લે થયાના ચોંકાવનારા આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્યની ઓપરેશનલ કામગીરી માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
આ મામલે અગાઉ જ ધરપકડ કરાયેલા વિંગ કમાન્ડર વિરુદ્ધ પોલીસે પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી દીધી છે, અને આગામી સમયમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
