<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

એર ઇન્‍ડિયા અને ઇન્‍ડિગોએ ફલાઇટસમાં કર્યો ઘટાડો હવાઈ મુસાફરોને મોંઘવારીનો ડામ

ક્રૂડના ભાવમાં ઉછાળો અને ATFના રેટ રૂ.૧ લાખને પાર પહોંચતા એરલાઇન્‍સનો મોટો નિર્ણય

નવી દિલ્‍હી, તા.૨૭: ઉનાળામાં જો તમે હવાઈ સફરનું આયોજન કરી રહ્યા હોવ તો ખિસ્‍સા વધુ ઢીલા કરવા તૈયાર રહેજો. દેશની દિગ્‍ગજ એરલાઇન્‍સ કંપનીઓ, એર ઇન્‍ડિયા અને ઇન્‍ડિગોએ ૧ જૂનથી આગામી ત્રણ મહિના માટે તેમની સ્‍થાનિક ફ્‌લાઇટ્‍સમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. વૈશ્વિક સ્‍તરે ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને પગલે એવિએશન ટર્બાઇન ફયુઅલના ભાવ પ્રતિ કિલોલિટર રૂ.૮૦,૦૦૦ થી વધીને રૂ.૧ લાખને વટાવી ગયા છે. બળતણના આ અસહ્ય બોજ અને ઘટતી જતી માંગને કારણે એરલાઇન્‍સ માટે જૂના ભાડામાં ફ્‌લાઇટ ઓપરેટ કરવી હવે નફાકારક રહી નથી.

ભારતીય એવિએશન માર્કેટમાં ૯૦% થી વધુ હિસ્‍સો ધરાવતી આ બંને કંપનીઓના નિર્ણયની સીધી અસર સામાન્‍ય જનતા પર પડશે. પ્રાપ્ત અહેવાલો મુજબ, એર ઇન્‍ડિયા તેની સ્‍થાનિક કામગીરીમાં ૧૫% અને ઇન્‍ડિગો ૫ થી ૭% સુધીનો ઘટાડો કરશે. ખાસ કરીને દિલ્‍હી, મુંબઈ, અમદાવાદ અને બેંગલુરુ જેવા વ્‍યસ્‍ત રૂટ પર ફ્‌લાઇટ્‍સની સંખ્‍યા ઘટતા ઉપલબ્‍ધ બેઠકો ઓછી થશે, જે કુદરતી રીતે જ વિમાન ભાડામાં તોતિંગ વધારો નોતરશે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કંપનીઓ કોઈ રૂટ બંધ નહીં કરે પરંતુ ફ્રીક્‍વન્‍સી ઘટાડીને ખર્ચ સરભર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ટાટા ગ્રુપની એર ઇન્‍ડિયા માટે આ પડકાર વધુ ગંભીર છે, કારણ કે નાણાકીય વર્ષ ૨૦૨૬ માં કંપનીનું નુકસાન રૂ.૨૬,૦૦૦ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. ટાટા સન્‍સના ચેરમેન એન. ચંદ્રશેખરન હાલમાં એર ઇન્‍ડિયા સહિતના નવા વ્‍યવસાયોમાં નુકસાન ઘટાડવા માટે ત્રણ વર્ષના પ્‍લાન પર કામ કરી રહ્યા છે. સિંગાપોર એરલાઇન્‍સની ભાગીદારી હોવા છતાં, વધતા ઈંધણના ભાવ અને ઓપરેશનલ પડકારોને જોતા આગામી ૯૦ દિવસ હવાઈ મુસાફરી કરનારાઓ માટે આર્થિક રીતે ભારે સાબિત થવાના છે.

(3:54 PM IST)