તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
એર ઈન્ડિયાના નવા 'ગ્રોમિંગ' નિયમો પર વિવાદ: મહિલા ક્રૂ માટે બિંદી-સિંદૂર પર પ્રતિબંધની અટકળોએ સોશિયલ મીડિયા પર જગાવ્યો આક્રોશ
નવી ગાઈડલાઈન્સ બાદ નેટીઝન્સમાં ભારે રોષ; લોકોએ તેને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર પ્રહાર ગણાવ્યો

નવી દિલ્હી:ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન 'એર ઈન્ડિયા' હાલ તેની નવી કેબિન ક્રૂ પોલિસીને લઈને વિવાદના વમળમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર એર ઈન્ડિયાની નવી 'ગ્રોમિંગ ગાઈડલાઈન્સ' વાયરલ થઈ રહી છે, જેમાં મહિલા કેબિન ક્રૂ મેમ્બર્સ માટે બિંદી અને સિંદૂર જેવા ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલોએ લોકોમાં ભારે રોષ જગાડ્યો છે.
શું છે નવી પોલિસી?
વાયરલ થયેલા અહેવાલો અનુસાર, એર ઈન્ડિયાએ તેના કેબિન ક્રૂ માટે દેખાવ અને ગ્રોમિંગના કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમોમાં મહિલા કર્મચારીઓ માટે યુનિફોર્મ દરમિયાન મોટી બિંદી લગાવવા પર પ્રતિબંધ હોવાનું જણાવાયું છે (માત્ર નાની અને સાદી બિંદીને મંજૂરી અપાઈ શકે છે). આ ઉપરાંત, સિંદૂર એવી રીતે લગાવવા સૂચના આપવામાં આવી છે કે તે સ્પષ્ટપણે દેખાય નહીં. આ સાથે ધાર્મિક દોરા કે અન્ય દૃશ્યમાન ધાર્મિક ચિહ્નો પહેરવા પર પણ મર્યાદા મૂકવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સોશિયલ મીડિયા પર ઉઠ્યા પ્રશ્નો
આ અહેવાલો સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સ આક્રમક બન્યા છે. નેટીઝન્સ સવાલ કરી રહ્યા છે કે, "શું બિંદી કે સિંદૂર પહેરવાથી સુરક્ષા કે સેવામાં કોઈ અવરોધ આવે છે?" ઘણા લોકો આ નિયમોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ચેડાં ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ટાટા જેવી પ્રતિષ્ઠિત ભારતીય બ્રાન્ડ પાસેથી આવી પોલિસીની અપેક્ષા નહોતી.
લેન્સકાર્ટ વિવાદની યાદ તાજી થઈ
આ કિસ્સો તાજેતરના લેન્સકાર્ટ વિવાદ જેવો જ ચર્ચાસ્પદ બની રહ્યો છે, જ્યાં કર્મચારીઓને બિંદી ન પહેરવા અંગેના આદેશને કારણે વિરોધ થયો હતો. હવે એર ઈન્ડિયાના આ નવા નિયમોએ ફરી એકવાર 'કોર્પોરેટ ગ્રોમિંગ' અને 'ધાર્મિક સ્વતંત્રતા' વચ્ચેની ચર્ચાને વેગ આપ્યો છે. જોકે, એર ઈન્ડિયા તરફથી હજુ સુધી આ વાયરલ મેમો કે નિયમો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
