<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સીઈઓ તરીકે એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની નિમણૂક : વહીવટી ફેરબદલના ભાગરૂપે ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓ પણ ઉમેરાયા

ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની જવાબદારી સોંપાઈ : દિલ્હીના મહેશ ભાગચંદકા, અયોધ્યાના મદન મોહન પાંડે અને શિકોહાબાદના નિર્મલા યાદવ ટ્રસ્ટી બન્યા

નવી દિલ્હી: અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં વહીવટી ફેરબદલ હાથ ધરીને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જે અંતર્ગત બુધવારે (૨ સપ્ટેમ્બર) ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક આપવામાં આવી છે.

 

એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની ૩૮ વર્ષથી વધુની ઝળહળતી સૈન્ય કારકિર્દી:

એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા (SYSM, AVSM, VSM) ભારતીય વાયુસેનાના એક અનુભવી અને નિવૃત્ત અફસર છે. તેઓએ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે સેવા આપેલી છે. ૩૮ વર્ષથી વધુની લાંબી સૈન્ય કારકિર્દી દરમિયાન તેઓએ અનેક મહત્વપૂર્ણ કમાન્ડ અને સ્ટાફ હોદ્દાઓ સંભાળ્યા છે. જેમાં ફાઈટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર, એરક્રાફ્ટ એન્ડ સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ (ASTE) ના ચીફ ટેસ્ટ પાઈલટ, બે ફ્રન્ટલાઈન એર બેઝના એર ઓફિસર કમાન્ડિંગ, ડિરેક્ટર (ઓપરેશનલ પ્લાનિંગ એન્ડ એસેસમેન્ટ ગ્રુપ), પ્રિન્સિપલ ડિરેક્ટર (ASR) અને એર મુખ્યાલય (VB) ખાતે આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (પ્રોજેક્ટ્સ), ASTE ના કમાન્ડન્ટ તેમજ ડેપ્યુટી ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ડોક્ટ્રિન, ઓર્ગેનાઈઝેશન એન્ડ ટ્રેનિંગ) નો સમાવેશ થાય છે. આ નવી જવાબદારી સંભાળતા પહેલાં તેઓ ડેપ્યુટી ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ) તરીકે કાર્યરત હતા. દેશ પ્રત્યેની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેઓને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

રામ મંદિર ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની પણ નિમણૂક કરાઈ:

રામ મંદિરના વહીવટી ફેરબદલના ભાગરૂપે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ત્રણ નવા ટ્રસ્ટીઓની પણ પસંદગી કરવામાં આવી છે. જેમાં દિલ્હીના મહેશ ભાગચંદકા, અયોધ્યાના સ્થાનિક રહવાસી મદન મોહન પાંડે અને શિકોહાબાદના શ્રીમતી નિર્મલા યાદવનો સમાવેશ થાય છે. રામ મંદિર ટ્રસ્ટની અગત્યની બેઠક દરમિયાન મહેશ ભાગચંદકા, મદન મોહન પાંડે અને શ્રીમતી નિર્મલા યાદવની નિમણૂક અંગે વિસ્તૃત ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો હતો. મહેશ ભાગચંદકા સ્વર્ગસ્થ વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલના સગા હોવાનું કહેવાય છે.

(4:47 PM IST)