<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર બન્યું : અક્ષરધામ મંદિરના આઈટીઓ વિસ્તારમાં "એકયુઆઈ" આંક ૪૨૦ ઉપર પહોંચ્યો

રાજધાનીનો સરેરાશ આંક ૩૮૯ : અનેક વિસ્તારોમાં હવા અતિ જોખમી સ્તરે, પ્રદૂષણ વધુ વકરવાની આગાહી

નવી દિલ્હી, તા. ૬ : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદૂષણ સતત ચોથા દિવસે ચિંતાજનક સ્તરે રહ્યું છે. આજે શુક્રવારે સવારે ૮ વાગ્યે સમગ્ર દિલ્હીનો સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક ૩૮૯ નોંધાયો હતો, જે 'અત્યંત ખરાબ' શ્રેણીમાં આવે છે. ગુરુવારે આ આંક ૩૬૯ હતો. આઈટીઓ અને ફિરોઝશાહ કોટલા રોડ અને અક્ષર મંદિર ધામ આસપાસ સવારે સાડા છ વાગ્યે પ્રદૂષણનો આંક ૪૨૦ નોંધાયો હતો, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે.

દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમ્મસ અને પ્રદૂષિત હવાના કારણે દૃશ્યતા તથા લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી છે. જહાંગીરપુરી, બવાના, અલીપુર, રોહિણી સહિતના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ અત્યંત ઊંચું નોંધાયું છે. સરકારી વાયુ ગુણવત્તા દેખરેખ વ્યવસ્થાના સવારે સાડા આઠ વાગ્યાના આંકડા મુજબ જહાંગીરપુરીમાં ૪૫૯, આઈટીઓમાં ૪૧૨ અને બવાનામાં ૪૨૪નો આંક નોંધાયો હતો.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માપદંડ મુજબ ૩૦૧થી ૪૦૦નો આંક અત્યંત ખરાબ અને ૪૦૧થી ૫૦૦નો આંક ગંભીર ગણાય છે. શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના બીજા તબક્કાનાં નિયંત્રણો અમલમાં છે. હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ, વાહનોનું પ્રદૂષણ, પરાળ સળગાવવાની ઘટનાઓ અને દિવાળીના તહેવારને પગલે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આગાહી કરવામાં આવી છે. વૃદ્ધો, બાળકો અને શ્વસનરોગના દર્દીઓ માટે ખાસ સાવચેતી જરૂરી હોવાનું આરોગ્ય નિષ્ણાતો જણાવે છે. 

(9:35 AM IST)