<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ફરી વાર ખરાબ શ્રેણીમાં પહોંચી: ગ્રેપ-1ના પ્રતિબંધો લાગુ

CAQMના આદેશ મુજબ હવે દિલ્હી સહિત NCRના તમામ શહેરોમાં GRAP-I હેઠળના નિયંત્રણો અમલમાં આવશે

નવી દિલ્હી અને આસપાસના દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. મંગળવારે રાજધાની દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 208 નોંધાયો હતો. ત્યારબાદ વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM) દ્વારા સમગ્ર NCR વિસ્તારમાં તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના પ્રથમ તબક્કા એટલે કે સ્ટેજ-1ના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

CAQMના આદેશ મુજબ હવે દિલ્હી સહિત NCRના તમામ શહેરોમાં GRAP-I હેઠળના નિયંત્રણો અમલમાં આવશે. આ તબક્કો ત્યારે લાગુ કરવામાં આવે છે જ્યારે AQI 201થી 300 વચ્ચે હોય, જેને ‘ખરાબ’ શ્રેણી માનવામાં આવે છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને સુધારેલા GRAP સમયપત્રક અનુસાર લેવામાં આવ્યો છે.

 

આયોગે જણાવ્યું કે 19 મે 2026ના રોજ દિલ્હીમાં AQI 208 સુધી પહોંચી ગયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા (IITM)ના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ હવાની ગુણવત્તા આ જ શ્રેણીમાં રહેવાની શક્યતા છે. તેથી GRAPની ઉપસમિતિએ તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. GRAP-I હેઠળ રસ્તાઓ પર નિયમિત પાણી છાંટવું, ધૂળ નિયંત્રણ, બાંધકામ સાઇટ્સ પર નજર, ખુલ્લામાં કચરો બળવાનું રોકવું અને પ્રદૂષણ ફેલાવનારા સ્ત્રોતો પર કડક કાર્યવાહી જેવા પગલાં લેવામાં આવે છે. સંબંધિત એજન્સીઓને સતત મોનીટરીંગ અને કડક અમલ માટે સૂચના આપવામાં આવી છે.

 

(9:07 PM IST)