<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

અમેરિકામાં થેંક્સગિવિંગની રજાઓ પૂર્વે હવાઈ મુસાફરી ખોરવાઈ : ડેલ્ટા એરલાઈન્સની સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા એટલાન્ટા સહિત દેશભરમાં હજારો ફ્લાઈટ્સ મોડી પડી

વિમાનોના વજન અને સંતુલન પર નજર રાખતી સિસ્ટમ ખોટકાતા હાર્ટ્સફીલ્ડ-જેક્સન એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૮૩૫ અને દેશભરમાં ડેલ્ટાની ૭૨૫ ફ્લાઈટ્સ પ્રભાવિત : FAAએ પ્રારંભિક ગ્રાઉન્ડ સ્ટોપ બાદ ગ્રાઉન્ડ ડિલે જાહેર કરતા મુસાફરો કલાકો સુધી અટવાયા : આગામી સપ્તાહે પૂર્વીય અમેરિકામાં તોફાની હવામાનની આગાહીથી મુશ્કેલી વધવાની ભીતિ

વોશિંગ્ટન: અમેરિકામાં થેંક્સગિવિંગ (Thanksgiving) ની રજાઓની ભારે ભીડ શરૂ થાય તે પહેલાં જ રવિવારે હવાઈ મુસાફરીમાં મોટો ખોરંભો સર્જાયો હતો. વિશ્વના સૌથી વ્યસ્ત હવાઈ મથક ગણાતા હાર્ટ્સફીલ્ડ-જેક્સન એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સની સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા સેંકડો ફ્લાઈટ્સ મોડી પડી હતી, જેની સીધી અસર સમગ્ર અમેરિકાના હવાઈ ટ્રાફિક પર જોવા મળી હતી.

વેઈટ એન્ડ બેલેન્સ સિસ્ટમ ખોટકાતા FAAએ લાગુ કર્યો ગ્રાઉન્ડ ડિલે:
ડેલ્ટા એરલાઈન્સે સ્પષ્ટતા કરી હતી કે વિમાનોના વજન અને સંતુલન (વેઈટ એન્ડ બેલેન્સ) પર દેખરેખ રાખતી એરલાઈનની ઓટોમેટિક સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે આ સમસ્યા ઉભી થઈ હતી. આ ટેકનિકલ ખામીને પગલે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા શરૂઆતમાં આ મહત્વપૂર્ણ એરપોર્ટ પર 'ગ્રાઉન્ડ સ્ટોપ' જાહેર કરવામાં આવ્યો હતો અને ચેતવણી આપવામાં આવી હતી કે તેનાથી ૩,૫૦૦થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. જોકે, બાદમાં સવારે આશરે ૮:૪૦ વાગ્યે અધિકારીઓએ આ એડવાઈઝરી હળવી કરીને તેને 'ગ્રાઉન્ડ ડિલે'માં તબદીલ કરી હતી. જેનો અર્થ એ થયો કે એટલાન્ટા તરફ જતી ફ્લાઈટ્સને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેને લગભગ એક કલાક જેટલા વિલંબનો સામનો કરવો પડ્યો હતો. ઉડ્ડયન નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આ વિલંબને કારણે દેશભરની ફ્લાઈટ્સના સમયપત્રક પર વિપરીત અસર પડી છે.

એરલાઈન દ્વારા મેન્યુઅલ કામગીરીથી ફ્લાઈટ્સ રવાના કરવાની કવાયત:
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ 'ફ્લાઈટઅવેર' (FlightAware) ના આંકડા મુજબ, બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીમાં એટલાન્ટા એરપોર્ટ પર ૮૩૫ ફ્લાઈટ્સ મોડી પડી હતી અને દેશભરમાં ડેલ્ટાની ૭૨૫ ફ્લાઈટ્સ મુલતવી રાખવામાં આવી હતી. આ અંગે ડેલ્ટા એરલાઈન્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઓટોમેશન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે અમારી ટીમો ફ્લાઈટ્સને સુરક્ષિત રીતે રવાના કરવા માટે મેન્યુઅલ વર્કઅરાઉન્ડ (હાથેથી ગણતરી) નો ઉપયોગ કરી રહી છે. અમારા ગ્રાહકોએ દાખવેલી ધીરજ અને અમારા કર્મચારીઓની વ્યાવસાયિકતા બદલ અમે તેમનો આભાર માનીએ છીએ."

અગાઉની ટેકનિકલ ખામીઓ અને તોફાની હવામાનની બેવડી ચિંતા:
ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ કરતાં થોડા વધુ સમય પહેલાં જ અન્ય એક ટેકનિકલ ખામીને કારણે સમગ્ર દેશમાં ગ્રાઉન્ડ સ્ટોપ લાગુ થયો હતો, જેનાથી હવાઈ સેવા ઠપ થઈ ગઈ હતી અને હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા. તદુપરાંત, છેલ્લા કેટલાક મહિનાઓમાં ડેલ્ટા એરલાઈન્સ સાથે સંકળાયેલી અન્ય ચિંતાજનક ઘટનાઓ પણ બની છે. ગત સપ્ટેમ્બરમાં લોસ એન્જલસથી સોલ્ટ લેક સિટી જઈ રહેલી ડેલ્ટાની એક ફ્લાઈટ માત્ર ૧૦ મિનિટમાં ૨૭,૦૦૦ ફૂટ નીચે ઉતરી આવતા કેબિનમાં ઓક્સિજન માસ્ક ખુલી ગયા હતા. તેના થોડા દિવસો પહેલાં જ પાયલટને મેડિકલ ઈમરજન્સી સર્જાતા ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ સેન્ટ પોલ ખાતે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હવે થેંક્સગિવિંગના રજાના સપ્તાહ દરમિયાન પૂર્વીય અમેરિકામાં તોફાની હવામાન સર્જાવાની શક્યતા હોવાથી મુસાફરોને ટેકનિકલ વિલંબ ઉપરાંત ખરાબ હવામાનનો પણ સામનો કરવો પડી શકે છે.

(11:27 PM IST)