<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

હવાઈ મુસાફરી હવે વધુ મોંઘી નહીં થાય!: વિમાની ઇંધણના ભડકે બળતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં!

ક્રૂડ ઓઇલ અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે જેટ ફ્યુઅલના દરોમાં અસહ્ય વધારો થતાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સે નવી પ્રાઇસિંગ ફોર્મ્યુલા લાગુ કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને કરી તાકીદની રજૂઆત

નવી દિલ્હી:  વિશ્વભરમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવ વચ્ચે વિમાની મુસાફરી કરતી આમ જનતા માટે એક મહત્વના અને આશાદાયક સમાચાર સામે આવી રહ્યા છે. જેટ ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના વધતા ભાવોને કારણે હવાઈ ટિકિટોના દર આસમાને પહોંચવાની ભારે ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ, હવે સરકાર આ આર્થિક બોજને સ્થિર કરવા માટે એક અત્યંત મહત્વકાંક્ષી અને આકર્ષક યોજના પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય, દેશની મુખ્ય એરલાઇન્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સાથે મળીને ઇંધણના ભાવ નિયંત્રિત કરવાના વિકલ્પો ચકાસી રહ્યું છે, જેથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધો ફટકો ન પડે.

દેશની અગ્રણી એરલાઇન્સ કંપનીઓ જેવી કે એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટના પ્રતિનિધિત્વ કરતા સંગઠન 'ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ' (FIA) એ સરકાર સમક્ષ ATFની કિંમત નક્કી કરવાની વર્તમાન નીતિમાં મોટો ફેરફાર કરવાની માંગ મૂકી છે. FIA નું કહેવું છે કે અત્યારે જેટ ઇંધણના ભાવ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કિંમતોના આધારે નક્કી થાય છે, જે વૈશ્વિક સંઘર્ષો વખતે ખૂબ ઉછાળો મારે છે. તેના બદલે સ્થાનિક સ્તરે 'કોસ્ટ-પ્લસ-પ્રોફિટ' (વાસ્તવિક ઉત્પાદન ખર્ચ અને વાજબી નફો) મોડેલ અપનાવવું જોઈએ. આ ઉપરાંત, રિફાઇનરીઓ દ્વારા લેવામાં આવતા $60 પ્રતિ બેરલના અસામાન્ય માર્જિનને ઘટાડીને સામાન્ય $10-12 પ્રતિ બેરલના સ્તરે લાવવાની માંગ કરાઈ છે, જેથી ઇંધણના દરો તુરંત જ નીચે આવી શકે.

જો સમયસર આ ભાવ સૂત્રની સમીક્ષા કરીને રાહત આપવામાં નહીં આવે, તો એરલાઇન્સ માટે ઘણા ઓછા નફાકારક અને બિન-વ્યવહારુ રૂટ્સ પરથી સેવાઓ ખેંચી લેવાની નોબત આવી શકે છે. છેલ્લા ત્રણેક મહિનામાં જ ATF ના ભાવમાં 25% જેટલો તોતિંગ વધારો થયો છે, જેના કારણે એરલાઇન્સનો કુલ ઓપરેટિંગ ખર્ચ 30-40% થી વધીને સીધો 55-60% સુધી પહોંચી ગયો છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે બ્રેન્ટ ક્રૂડ $72 થી વધીને $118 પ્રતિ બેરલ સુધી પહોંચતા ઓપરેશનલ કટોકટી સર્જાઈ છે. સરકાર જો 'કોસ્ટ-પ્લસ' મોડેલ મંજૂર કરશે તો માત્ર એરલાઇન્સનો રોકડ પ્રવાહ જ નહીં સચવાય, પરંતુ દેશના તમામ નાના-મોટા શહેરો વચ્ચેની એર કનેક્ટિવિટી જળવાઈ રહેશે અને હવાઈ મુસાફરોને મોંઘી ટિકિટોમાંથી કાયમી મુક્તિ મળશે.

(10:17 PM IST)