<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

સંસદમાં અખિલેશ યાદવનો ધમાકો: "રામ મંદિરના પ્રસાદની ચોરી ન રોકી શકનારા પેપર લીક શું રોકશે?" : ભાજપ સરકાર પર પ્રહાર!

પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન સપા વડાએ કેન્દ્ર સરકારની નિયત પર ઉઠાવ્યા ગંભીર સવાલો: શિક્ષણ પ્રધાનને બદલીને વડાપ્રધાનને બચાવવાનો આક્ષેપ કરતા સંસદમાં ભારે વિવાદ સર્જાયો

નવી દિલ્હી: :  સંસદના ચોમાસુ સત્રમાં પેપર લીક અટકાવવા માટે રજૂ કરાયેલા સુધારા બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને સાંસદ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર સામે તીખા બાણ છોડ્યા હતા. લોકસભામાં ગરજતાં અખિલેશ યાદવે સરકારની નિયત અને સક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી દેશની શિક્ષણ, પરીક્ષા અને યુનિવર્સિટી સિસ્ટમને તબાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો ઉલ્લેખ કરતા તેમણે કટાક્ષ કર્યો હતો કે, "પ્રધાનજીને પદ પરથી હટાવીને સરકારે ખરેખર તો 'વડાપ્રધાન'ને બચાવી લીધા છે." અખિલેશે દાવો કર્યો કે નીટ (NEET) કાંડ બાદ યુવાનો અને તેમના પરિવારજનોનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપને નમતું જોખવું પડ્યું છે.

ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાઓનો આકરો સંદર્ભ આપતાં અખિલેશ યાદવે કહ્યું કે યુપીમાં એક પછી એક ૨૦થી વધુ ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા છે, જેનાથી કરોડો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. આટલેથી ન અટકતાં તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કરીને સરકારને કઠેડામાં ઊભી કરી હતી. તેમણે કહ્યું કે, "અયોધ્યામાં ભગવાન શ્રી રામને ચડાવવામાં આવતા દાન અને પ્રસાદમાં પણ અનિયમિતતાઓ સામે આવી છે. જે સરકાર રામ મંદિરમાં ચડાવેલા પ્રસાદની ચોરી પણ રોકી શકતી નથી, તે પેપર લીક કેવી રીતે રોકી શકશે?" સપા નેતાએ ઉમેર્યું કે જ્યાં સુધી દેશની શાસન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફાર નહીં થાય ત્યાં સુધી આ કૌભાંડો બંધ થવાના નથી.

અખિલેશ યાદવના આ સનસનાટીભર્યા આક્ષેપોનો જવાબ આપવા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ મેદાનમાં આવ્યા હતા. રિજિજુએ વિપક્ષને સવાલ કર્યો કે, "વિદ્યાર્થીઓની માંગ સાંભળીને સંસદમાં કાયદો લાવતી સરકાર સારી કે પછી વિદ્યાર્થીઓના આંદોલનને કચડી નાખવા દેશમાં ઈમરજન્સી (કટોકટી) લાદી દેનારી સરકાર સારી?" આ દલીલનો વળતો જવાબ આપતા અખિલેશે સ્પષ્ટ કહ્યું કે, દેશમાં મુદ્દો નવા કાયદા બનાવવા કે ઈમરજન્સીનો નથી પરંતુ સરકારના ઈરાદાનો છે. જો સરકારનો ઈરાદો સાફ અને દાનત સ્પષ્ટ હશે તો તમામ પરીક્ષાઓ આપોઆપ પારદર્શક બની જશે. તેમણે ચીમકી આપી હતી કે જે રીતે કટોકટી પછી દેશમાં મોટો રાજકીય બદલાવ આવ્યો હતો, તેવો જ ઈતિહાસ ફરી દોહરાવાશે.

(7:19 PM IST)