<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

અકોલા રેલવે સ્ટેશન પર આરપીએફ મહિલા જવાનની સતર્કતાથી ટળ્યો મોટો અનર્થ: ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવા જતાં પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાયેલી ૫૫ વર્ષીય મહિલા મુસાફરનો બચ્યો આબાદ જીવ

માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં બે મુસાફરોના જીવન બચાવીને ASI સોનલ ઇંગલેએ રજૂ કરી બેજોડ બહાદુરી; ‘ઓપરેશન જીવન રક્ષા’ હેઠળ દાખવેલી સમયસૂચકતા અને કમાલની હિંમતના સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ભારે વખાણ.

અકોલા : મહારાષ્ટ્રના અકોલા રેલવે સ્ટેશન પરથી રેલવે સુરક્ષળ દળ (RPF) ની ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી કામગીરીનો કિસ્સો સામે આવ્યો છે. અકોલા સ્ટેશનના પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલાં મહિલા RPF અધિકારીએ પોતાની અદ્ભુત સતર્કતા અને હિંમતનું પ્રદર્શન કરીને ૫૫ વર્ષીય મહિલા મુસાફરનો જીવ આબાદ બચાવી લીધો હતો. ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે મહિલા મુસાફરનું સંતુલન બગડ્યું હતું અને તેઓ ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેની જોખમી ખાલી જગ્યામાં સરકવા લાગ્યા હતા, પરંતુ સમયસર દોડી આવેલી મહિલા જવાને દીર્ધદ્રષ્ટિ વાપરીને તેમને સુરક્ષિત બહાર ખેંચી લીધા હતા.

 

મળતી વિગતો અનુસાર, અકોલા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પરથી નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૨૧૩૮) રવાના થઈ રહી હતી, તે દરમિયાન અકોલાના રહેવાસી સંગીતા ભરત ખત્રી ચાલતી ટ્રેનમાંથી નીચે ઊતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ઉતરવા જતાં તેમનું સંતુલન અચાનક બગડી ગયું હતું અને તેઓ પાટા તરફ ફસાવા લાગ્યા હતા. પ્લેટફોર્મ પર હાજર RPF ના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સોનલ ઇંગલેની નજર આ ભયાનક દ્રશ્ય પર પડતાં જ તેમણે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના વીજળીક ઝડપે દોડી જઈને મહિલાને પકડી લીધી અને પ્લેટફોર્મ પર સુરક્ષિત ખેંચી લીધા હતા. આ ઘટનામાં મહિલાને સામાન્ય ઉઝરડા સિવાય કોઈ મોટી ઈજા થઈ નહોતી.

 

ખાસ નોંધનીય બાબત એ છે કે ASI સોનલ ઇંગલે દ્વારા માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં બે વ્યક્તિઓનો ભોગ બચાવવામાં આવ્યો છે. અગાઉ ૧૦ ઓક્ટોબરે પણ તેમણે પ્લેટફોર્મ નંબર-૨ પર અમદાવાદ-ચેન્નાઈ નવજીવન એક્સપ્રેસમાં ચઢતી વખતે સંતુલન ગુમાવનાર એક દિવ્યાંગ વૃદ્ધ મુસાફરને પણ મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા. RPF ના ‘ઓપરેશન જીવન રક્ષા’ અંતર્ગત કરવામાં આવેલી આ બંને બહાદુરીભરી કામગીરી બદલ હાલ સોશિયલ મીડિયા પર મહિલા અધિકારીની પ્રશંસાની લહેર છવાઈ ગઈ છે.

(8:04 PM IST)