<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

હોલીવુડથી ચિંતાજનક સમાચાર: લાઈવ કોન્સર્ટ દરમિયાન દિગ્ગજ સિંગર લિયોનેલ રિચી સ્ટેજ પર ઢળી પડ્યા, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા!

'ડાન્સિંગ ઓન ધ સીલિંગ' ગાતી વખતે અચાનક ચક્કર આવ્યા ને શો અધવચ્ચે જ રદ કરવો પડ્યો; 77મા જન્મદિવસે 'નોર્થ અમેરિકન ટૂર'ની હતી ઓપનિંગ નાઇટ

મિનેસોટા, તા.26: વૈશ્વિક સંગીત જગતના બેતાજ બાદશાહ અને ચાર વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક લિયોનેલ રિચી (Lionel Richie) ને લઈને હોલીવુડથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. મિનેસોટાના સેન્ટ પોલમાં આયોજિત એક લાઈવ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતી વખતે અચાનક લિયોનેલ રિચીની તબિયત લથડી ગઈ હતી અને તેઓ ચક્કર ખાઈને સ્ટેજ પર જ બેસી પડ્યા હતા. તબિયત વધુ બગડતાં જ સિક્યોરિટી અને મેડિકલ ટીમે તાત્કાલિક ધોરણે 77 વર્ષીય ગાયકને એરેનામાંથી સ્થાનિક હોસ્પિટલના આઈસીયુ (ICU) માં ખસેડ્યા છે. સેન્ટ પોલ ફાયર ડિપાર્ટમેન્ટના સત્તાવાર પ્રવક્તા જેમી સ્મિથે પુષ્ટિ કરી છે કે એક પુખ્ત પુરુષ સિંગરને ઇમરજન્સી સેવા હેઠળ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

"જ્યારે ચક્કર આવે, ત્યારે શાંતિથી બેસી જવું સારું!"

પ્રાપ્ત વિગતો અનુસાર, લિયોનેલ રિચીના બહુપ્રતીક્ષિત 26 શહેરોના 'નોર્થ અમેરિકન ટૂર'ની આ ઓપનિંગ નાઇટ હતી. લિયોનેલ રિચી જ્યારે સ્ટેજ પર પોતાના પ્રખ્યાત ગીતો ગાઈ રહ્યા હતા, ત્યારે 'ડાન્સિંગ ઓન ધ સીલિંગ' ગીત દરમિયાન તેમની શારીરિક સ્થિતિ બગડી હતી. તેઓ ગીત ગાતી વખતે વારંવાર સ્ટેજ પર બેસી જતા હતા. મિનેસોટા સ્ટાર ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, રિચીએ માઇક પર જ ફેન્સને સંબોધીને કહ્યું હતું કે, "દોસ્તો, જ્યારે તમને ચક્કર આવવા લાગે, ત્યારે તમારા અહમને બાજુ પર મૂકીને નીચે બેસી જવું જ હિતાવહ છે." આટલું કહીને તેમણે પ્રદર્શન ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો અને એક નાનો ઇન્ટરમિશન બ્રેક લીધો હતો.

સેક્સોફોનિસ્ટ ડીનો સોલ્ડોએ કરી શો કેન્સલની જાહેરાત:

"અમે અત્યંત દિલગીરી સાથે આપ સૌને જણાવી રહ્યા છીએ કે લિયોનેલ રિચી આગળ વધી શકે તેમ નથી. તેમની તબિયત અચાનક ખૂબ જ નાજુક થઈ ગઈ છે. શોને અહીં જ રદ કરવામાં આવે છે. ટિકિટ રીફંડ અને તેમની હેલ્થ અંગેની વધુ માહિતી આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે."

જન્મદિવસની ભવ્ય ઉજવણી બાદ અચાનક કાળનો પંજો!

આ આફત એટલા માટે વધુ આઘાતજનક છે કારણ કે હજુ ગત 20 જૂને જ લિયોનેલ રિચીએ પોતાના બેન્ડ અને ટૂર ક્રૂ સાથે સેટ પર કેક, આઈસ્ક્રીમ અને પાઈ કાપીને પોતાનો 77મો જન્મદિવસ ઉજવ્યો હતો. શોના થોડા કલાકો પહેલા જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર હસતો ચહેરો અને કૉફીનો કપ પકડેલો ફોટો શેર કરીને લખ્યું હતું, "સેન્ટ પોલ, શું તમે રોક એન્ડ રોલ માટે તૈયાર છો? આઈ એમ રેડી!" પરંતુ ઓપનિંગ નાઇટ જ હોસ્પિટલના બિછાને પૂરી થશે તેવી કોઈને કલ્પના નહોતી. આગામી શુક્રવારે શિકાગોના યુનાઇટેડ સેન્ટર ખાતે તેમનો બીજો મોટો શો નિર્ધારિત છે, જે હવે રિચીના હેલ્થ રિપોર્ટ પર નિર્ભર રહેશે. હાલ વિશ્વભરના કરોડો સંગીતપ્રેમીઓ આ દિગ્ગજ ગાયકની ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

 

(4:41 PM IST)