<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

વૈશ્વિક તાપમાનમાં ભયાનક ઉછાળો: વિશ્વ 'આબોહવા ચરમસીમાના નવયુગ'માં પ્રવેશ્યું હોવાની UN પ્રમુખની ચેતવણી

તુર્કીમાં COP31 સંમેલનમાં અંતાલિયા ખાતે એન્ટોનિયો ગુટેરેસ દ્વારા અશ્મિભૂત ઇંધણથી મુક્તિ અને ઉત્સર્જન ઘટાડવા વિશ્વના નેતાઓને આહ્વાન

અંટાલિયા: માનવસર્જિત પ્રદૂષણ અને સુપરસાઇઝ્ડ અલ નીનોના ડબલ એટેકના કારણે સમગ્ર વિશ્વ એક અત્યંત જોખમી વાસ્તવિકતા તરફ ધકેલાઈ રહ્યું છે. તુર્કીના અંતાલિયા ખાતે યોજાયેલી COP31 આબોહવા પરિષદમાં યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે વિશ્વભરના નેતાઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે પૃથ્વી હવે 'આબોહવા ચરમસીમાના નવયુગ'માં પ્રવેશી ચૂકી છે. તેમણે પરિષદમાં ઉપસ્થિત વૈશ્વિક નેતાઓને વાયુ પ્રદૂષણ અને ઉત્સર્જનમાં ઝડપથી ઘટાડો કરવા, અશ્મિભૂત ઇંધણમાંથી ન્યાયી રીતે મુક્ત થવા તેમજ આબોહવા પરિવર્તન સામે ઝઝૂમી રહેલા સંવેદનશીલ દેશોને જરૂરી નાણાકીય સહાય અને સુરક્ષા પૂરી પાડવા માટે ગંભીર પગલાં લેવા સખત અપીલ કરી હતી.

વર્લ્ડ મેટીરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) ના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૬ એ અસાધારણ વૈશ્વિક તાપમાન, બરફ પીગળવાની પ્રક્રિયા અને સમુદ્રની સપાટીમાં ચિંતાજનક વધારાનો સિલસિલો યથાવત રાખ્યો છે. WMO ના વડા સેલેસ્ટે સાઉલોએ જીનીવામાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષો રેકોર્ડ પરના સૌથી ગરમ ૧૨ વર્ષોમાં સ્થાન ધરાવે છે અને આ વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ રહેવાની પૂરતી શક્યતા છે. આ ઉપરાંત જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન વૈશ્વિક સરેરાશ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સરેરાશ કરતા ૧.૪૭ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. ૧૯૫૦ પછીના સૌથી મજબૂત અલ નીનોના કારણે ઉષ્ણકટિબંધીય પેસિફિકમાં તાપમાન સરેરાશ કરતાં ૩.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચું જઈ શકે છે, જેના કારણે વર્ષ ૨૦૨૭ પણ નવો તાપમાન રેકોર્ડ બનાવી શકે છે.

અહેવાલમાં વધુમાં દર્શાવાયું છે કે વૈશ્વિક સમુદ્રનું સ્તર રેકોર્ડ તબક્કે પહોંચ્યું છે, જ્યારે મીઠા પાણીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. ૨૦૨૫ માં વાર્ષિક ધોરણે બરફનું એટલું મોટા પ્રમાણમાં પિગળણ થયું હતું કે તે દર સેકન્ડે પાંચ ઓલિમ્પિક પૂલ ભરવા માટે પૂરતું હતું. આ ગરમીના કારણે હીટવેવ, વાવાઝોડા અને અતિભારે વરસાદની તીવ્રતા ગુણક હદ સુધી વધી રહી છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે સકારાત્મક બાબત એ સામે આવી છે કે કુદરતી હોનારતો માટે બહુ-જોખમી પ્રારંભિક ચેતવણી પ્રણાલી ધરાવતા દેશોની સંખ્યા ૨૦૧૫ ના ૫૫ થી વધીને ૫૭ ટકાથી વધુ એટલે કે ૧૩૬ દેશો સુધી પહોંચી ગઈ છે.

COP31 શિખર સંમેલનમાં વૈશ્વિક હવામાન પ્રણાલીઓને વધુ સચોટ બનાવવા માટે આગાહી અને ડેટા-એકત્રીકરણ ક્ષેત્રે મોટા રોકાણો સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. વિશ્વ હવામાન સંગઠન અને યુએન દ્વારા સંયુક્ત રીતે તમામ સભ્ય દેશો માટે હવામાન ચેતવણી સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવા આગામી એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવી રહ્યો છે. તદુપરાંત, અંતાલિયા પરિષદના અંતે આબોહવા નાણાકીય ભંડોળ (Climate Finance Fund) ની ફાળવણી અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નિયંત્રણ અંગે તમામ વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે એક બાઇન્ડિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

(2:37 PM IST)